<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

‘લાપતા લેડીઝ'ની અભિનેત્રી છાયા કદમ મોટી મુશ્‍કેલીમાં! ગરોળી, હરણ, શાહુડીનું માંસ ખાવું પડ્‍યું ભારે

અભિનેત્રી છાયા કદમ મોનિટર ગરોળી અને ઉંદર હરણ જેવી સંરક્ષિત પ્રજાતિઓનું માંસ ખાવાની કબૂલાત કર્યા બાદ કાનૂની મુશ્‍કેલીમાં ફસાઈઃ વન અધિકારીઓએ તપાસ શરૂ કરી

મુંબઈ તા.રઃ આમિર ખાન ફિલ્‍મ્‍સની ફિલ્‍મ ‘લાપતા લેડીઝ' માં મહત્‍વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી છાયા કદમ એક નિવેદન આપ્‍યા બાદ ભારે મુશ્‍કેલીમાં મુકાઈ ગઈ છે. તેમનું નિવેદન જંગલી પ્રાણીઓ વિશે હતું, જેના કારણે તેને કાનૂની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અભિનેત્રી છાયા કદમ ઘણા સમયથી હેડલાઇન્‍સમાં છવાયેલી છે, પરંતુ એવું લાગે છે કે ‘લાપતા લેડીઝ' સ્‍ટાર હવે ઉંદર હરણ, સસલા, જંગલી ડુક્કર, મોનિટર ગરોળી અને શાહુડી સહિત સંરક્ષિત જંગલી પ્રજાતિઓનું માંસ ચાખવાનો દાવો કરીને ચર્ચામાં આવી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કદમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, કારણ કે વન વિભાગ તપાસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

વિભાગીય વન અધિકારી (વિજિલન્‍સ) રોશન રાઠોડે પુષ્ટિ આપી છે કે, છાયા કદમ વિરુદ્ધ ફરિયાદ મળી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘અમને એક ફરિયાદ મળી છે, જે અમે તપાસ માટે મુખ્‍ય વન સંરક્ષક અને નાયબ વન સંરક્ષકને મોકલી છે. અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.'

NGO PAWS ની ટીમે ફરિયાદમાં લખ્‍યું છે કે, ‘અમારી ટીમને અભિનેત્રી છાયા કદમનો એક ઇન્‍ટરવ્‍યુ મળ્‍યો છે. જેમાં કહેવામાં આવ્‍યું છે કે તે હરણ, સસલું, જંગલી ડુક્કર, મોનિટર ગરોળી અને શાહુડી વગેરે જેવા સંરક્ષિત જંગલી પ્રાણીઓનું માંસ ખાય છે. તેણીએ આ ઇન્‍ટરવ્‍યુ એક રેડિયોને આપ્‍યો હતો, જે યુટયુબ પર પોસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. આનાથી જનતાને ખોટો સંદેશ મળે છે અને વન્‍યજીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની ઘણી કલમો હેઠળ તે કાનૂની ગુનો છે. અમે જૈવિક વિવિધતા અધિનિયમ ૨૦૦૨ની સંબંધિત કલમો લાગુ કરવાની પણ અપીલ કરીએ છીએ. ઇન્‍ટરવ્‍યુને ગુનાહિત કબૂલાત તરીકે ગણવો જોઈએ. અમે તેના અને ગેરકાયદેસર શિકાર અને જંગલી પ્રાણીઓના ખાવામાં સામેલ અન્‍ય લોકો સામે તપાસ કરવા અને કાનૂની પગલાં લેવા વિનંતી કરીએ છીએ.'

આંતરરાષ્‍ટ્રીય પ્રાણી સંરક્ષણ સંગઠન (International Organisation for Animal Protection - OIPA), AMMA કેર ફાઉન્‍ડેશન (ACF) અને PAWS-મુંબઈના માનદ વન્‍યજીવન વોર્ડન અને સ્‍થાપક સુનિશ સુબ્રમણ્‍યમ કુંજુએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું, ‘આઘાતજનક છે કે એક પબ્‍લિક ફિગર વ્‍યક્‍તિ ખુલ્લેઆમ જંગલી પ્રાણીઓનું માંસ ખાવાનું સ્‍વીકારી રહી છે. એક તરફ અમે વન્‍યજીવન સંરક્ષણ અંગે જાગળતિ ફેલાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને બીજી તરફ કેટલાક લોકો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે.

વન વિભાગે તપાસ કરવી જોઈએ કે તેઓ આ માંસ કયાંથી મેળવે છે અને ગેરકાયદેસર શિકારમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.'

(10:49 AM IST)