<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

બ્‍યૂટી પાર્લરમાં ગયેલી દુલ્‍હન ગાયબ થઈઃ વાત સાંભળી વરરાજાના પિતાને હાર્ટ એટેક આવ્‍યો

પાંચ કલાક બાદ જ્‍યારે દુલ્‍હન તૈયાર થયા વિના મેરેજ હોલમાં પહોંચી તો વરરાજાનો મૂડ બદલાઈ ગયો અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી

ઈટાવા તા.રઃ લગ્નના દિવસે જ દુલ્‍હન બ્‍યૂટી પાર્લરમાંથી ગાયબ થઈ ગઈ. પહેલા તો કોઈને કંઈ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે, પણ બાદમાં ખબર પડી કે દુલ્‍હન ગાયબ છે. દુલ્‍હન ગાયબ થવાની જાણકારી મળતા જ વરરાજાના પિતાને હાર્ટ એટેક આવ્‍યો. તાત્‍કાલિક પરિવારના લોકો વરરાજાના પિતાને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્‍યા.

પાંચ કલાક બાદ જ્‍યારે દુલ્‍હન તૈયાર થયા વિના મેરેજ હોલમાં પહોંચી તો વરરાજાનો મૂડ બદલાઈ ગયો અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્‍યારબાદ વરરાજો જાન લીધા વિના પાછો ગયો. દુલ્‍હન પક્ષે દહેજની માગને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સૂચના મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

ઉત્તર પ્રદેશના ઈટાવા શહેર કોતવાલી વિસ્‍તારના એક ફળિયામાં રહેતા એક યુવકના લગ્ન ફ્રેન્‍ડ્‍સ કોલોની વિસ્‍તારની એક યુવતી સાથે નક્કી થયા હતા. મંગળવારે જાન શહેરના મેરેજ હોલમાં પહોંચી. દુલ્‍હન અને તેનો પરિવાર પહેલાથી આ મેરેજ હોલમાં આવી પહોંચ્‍યો હતો. પરિવારના લોકો દુલ્‍હનને એક બ્‍યૂટી પાર્લરમાં મૂકીને આવ્‍યા હતા.

આરોપ છે કે, ત્‍યાંથી દુલ્‍હન બ્‍યૂટી પાર્લરની સંચાલિકાનું ધ્‍યાન ભટકાવી ગાયબ થઈ ગઈ હતી. પરિવારના લોકોએ જ્‍યારે દુલ્‍હનને ફોન લગાવ્‍યો તો તેનો ફોન સ્‍વિચ ઓફ આવ્‍યો. બ્‍યૂટી પાર્લર પહોંચવા પર જાણવા મળ્‍યું કે દુલ્‍હન ગાયબ થઈ ગઈ છે. દુલ્‍હનના પરિવારે જેમ તેમ કરીને વરરાજાના પરિવારને આ વાત જણાવી.

દુલ્‍હન ગાયબ થઈ હોવાની જાણ થતાં વરરાજાના પિતાને હાર્ટ એટેક આવી ગયો. તાત્‍કાલિક પરિવારના લોકો તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવા લઈ ગયા. જ્‍યારે તેની જાણકારી દુલ્‍હનના પરિવારને થઈ તો તેઓ અને તેમના સંબંધીઓ ધીમે ધીમે સરકવા લાગ્‍યા. લગભગ પાંચ કલાક બાદ દુલ્‍હન તૈયાર થયા વિના મેરેજ હોલમાં પહોંચી. જેને જોતા જ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી.

આ ઘટના બાદ દુલ્‍હન પક્ષે વરરાજાના પક્ષ પર દહેજની માગને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાસ્‍થળે આવેલી પોલીસે બંને પક્ષને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ વર પક્ષ લગ્ન કરવા માટે રાજી થયો નહીં. પોલીસે જણાવ્‍યું કે, દુલ્‍હન પક્ષ તરફથી દહેજની ફરિયાદ નોંધાવામાં આવી છે. બંને પક્ષ સાથે વાત ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી થશે.

(10:50 AM IST)