<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

સાવધાન! તમારો ફોન બની જશે 'શોલે'નો હરિરામ નાઈ! હેકર્સની સનસની : તરત જ આ વસ્તુ બંધ કરો

એપલે આઇફોન યુઝર્સ માટે જરૂરી ચેતવણી જાહેર કરી : 'એરબોર્ન' નામની ખતરનાક ખામીથી હેકર્સ કરી શકે છે ડેટા ચોરી અને વાતચીત રેકોર્ડ

નવી દિલ્હી: એપલે તેના આઇફોન યુઝર્સ માટે એક અત્યંત મહત્વની ચેતવણી જાહેર કરી છે. 'એરબોર્ન' નામની એક નવી અને ખતરનાક ખામી સામે આવી છે. આ બગનો ઉપયોગ કરીને હેકર્સ તમારા આઇફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે, તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને એટલું જ નહીં, તમારી વાતચીતને પણ સાંભળી શકે છે. એપલે તમામ યુઝર્સને તાત્કાલિક તેમના આઇફોનને લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝનમાં અપડેટ કરવાની અપીલ કરી છે.
આ ખામી એપલના એરપ્લે ફીચર સાથે જોડાયેલી છે. એપલનું કહેવું છે કે જે ડિવાઇસ એરપ્લે સાથે કનેક્ટ થયેલા છે, તે આ હુમલા માટે સૌથી વધુ સંવેદનશીલ છે. કંપનીએ સલાહ આપી છે કે જ્યાં સુધી આ સમસ્યા સંપૂર્ણપણે ઠીક ન થાય ત્યાં સુધી યુઝર્સે એરપ્લેને બંધ કરી દેવું જોઈએ. વાયર્ડ નામની ટેક વેબસાઇટે જણાવ્યું છે કે જો કોઈ હેકર તમારા વાઇ-ફાઇ નેટવર્ક પર હોય અને તે કોઈ થર્ડ-પાર્ટી એરપ્લે ડિવાઇસ દ્વારા નેટવર્ક સાથે જોડાયેલો હોય, તો તે આ ખામીનો ફાયદો ઉઠાવીને તમારા ડિવાઇસ સુધી પહોંચી શકે છે અને તેમાં ખતરનાક કોડ ઇન્સ્ટોલ કરી શકે છે, જેનાથી નેટવર્ક પર હાજર અન્ય ડિવાઇસ પણ સંક્રમિત થઈ શકે છે.
સાયબર સુરક્ષા કંપની ઓલિગો અનુસાર, એપલના એરપ્લે સિસ્ટમમાં 23 મોટી નબળાઈઓ મળી આવી છે. એરપ્લે એક એવું ફીચર છે જેનાથી તમે આઇફોનથી કોઈ અન્ય ડિવાઇસ પર ફોટો, મ્યુઝિક અથવા વીડિયો મોકલી શકો છો. પરંતુ હવે આ જ ફીચર હેકર્સ માટે એક રસ્તો બની ગયો છે. જો તમારું સ્પીકર, સ્માર્ટ ટીવી અથવા સેટ-ટોપ બોક્સ એરપ્લેને સપોર્ટ કરતું હોય અને તે જ નેટવર્ક પર હોય, તો તે પણ જોખમમાં આવી શકે છે.
જો કે આઇફોનને અપડેટ કરીને તમે તમારા મોબાઇલને સુરક્ષિત કરી શકો છો, પરંતુ બાકીના ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી અથવા સ્પીકર્સને ઘણીવાર અપડેટ કરવામાં આવતા નથી, જેના કારણે તે હેકર્સ માટે સરળ ટાર્ગેટ બની જાય છે. આ ડિવાઇસ "ગેટવે" નું કામ કરે છે, જેનાથી હેકર્સ સમગ્ર નેટવર્કને એક્સેસ કરી શકે છે.
ઓલિગોના ચીફ ટેક્નોલોજી ઓફિસર ગેલ એલ્બાઝનું કહેવું છે કે વિશ્વભરમાં લાખો થર્ડ-પાર્ટી એરપ્લે ડિવાઇસ ઉપયોગમાં છે અને જ્યાં સુધી તેમને અપડેટ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે હેકિંગ માટે ખુલ્લા રહેશે. તેમણે યુઝર્સને ચેતવણી આપી છે કે જેટલી જલ્દી શક્ય હોય તેટલી જલ્દી તેમના તમામ ડિવાઇસને અપડેટ કરો અથવા ઓછામાં ઓછું એરપ્લેને બંધ કરી દો.

 

(11:15 AM IST)