<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

મહારાષ્‍ટ્રમાં ૩૩ વર્ષથી રહેતી ‘માધુરી'ને ગુજરાત મોકલવાનો વિવાદ બૉમ્‍બે હાઈકોર્ટ પહોંચ્‍યો

વન વિભાગની હાઇ પાવર કમિટી (HPC) એ ૨૭ ડિસેમ્‍બર ૨૦૨૪ ના રોજ માધુરીના સ્‍વાસ્‍થ્‍ય અહેવાલના આધારે તેને ખસેડવાનો આદેશ જાહેર કર્યો હતો

મુંબઇ તા.રઃ મહારાષ્‍ટ્રમાં ૩૩ વર્ષથી રહેતી હાથી મહાદેવી માધુરી હાથીને ગુજરાત મોકલવાનો વિવાદ બૉમ્‍બે હાઈ કોર્ટમાં પહોંચ્‍યો છે. વન વિભાગની હાઇ પાવર કમિટી (HPC) એ ૨૭ ડિસેમ્‍બર ૨૦૨૪ ના રોજ માધુરીના સ્‍વાસ્‍થ્‍ય અહેવાલના આધારે તેને ખસેડવાનો આદેશ જાહેર કર્યો હતો. આ નિર્ણયનો આધાર પ્રાણી અધિકારોના રક્ષણ માટે કામ કરતી સંસ્‍થા PETA ના પત્ર પર હતો. હવે, હાઈ કોર્ટે HPC ને માધુરીને જામનગરના રાધે કળષ્‍ણ હાથી મંદિર કલ્‍યાણ ટ્રસ્‍ટમાં ટ્રાન્‍સફર કરતા પહેલા હાથીની માલિકીની સંસ્‍થાનો પક્ષ સાંભળવાનો નિર્દેશ આપ્‍યો છે. કેસની આગામી સુનાવણી ૧૭ જૂને કોર્ટમાં થવાની છે. જેથી તે નક્કી થાય કે આ હાથી મહારાષ્‍ટ્ર જ રહેશે કે ગુજરાત જશે

સ્‍વસ્‍તશ્રી જિન સેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્‍વામી સંસ્‍થા દ્વારા HPCના આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્‍યો છે. અરજીમાં, સંગઠને દાવો કર્યો છે કે માધુરી ૧૯૯૨ થી તેમની સાથે છે. સંગઠન માધુરીની યોગ્‍ય કાળજી લઈ રહ્યું છે. સંસ્‍થા પાસે માધુરીની માલિકી અંગે વન્‍યજીવન સંરક્ષણ કાયદાની કલમ ૪૦(૨) હેઠળ જરૂરી ઘોષણાપત્ર પણ છે. મોટી સંખ્‍યામાં લોકો માધુરીમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્‍થિતિમાં, માધુરીને ગુજરાત ટ્રાન્‍સફર કરવાનો આદેશ અપેક્ષિત નહોતો. માધુરીને ખસેડવાનો આદેશ આપતા પહેલા સંસ્‍થાનો પક્ષ સાંભળવામાં આવ્‍યો ન હતો.

‘‘હમણાં અંતિમ નિર્ણય નહીં લઈએ'' જસ્‍ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્‍ટિસ અદ્વૈત સેઠનાની બેન્‍ચે માધુરીના સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત રિપોર્ટની તપાસ કરી અને કહ્યું કે આ મામલે સંસ્‍થાનો પક્ષ સાંભળવામાં આવ્‍યો નથી. તેથી, અમે આ વિષય પર કોઈ નિર્ણાયક નિષ્‍કર્ષ પર પહોંચી શકતા નથી. આવી સ્‍થિતિમાં, અમારા મતે, HPC એ કેસમાં અરજદાર (સંસ્‍થા) નો પક્ષ સાંભળવો જોઈએ તે યોગ્‍ય રહેશે. સુનાવણી દરમિયાન, બેન્‍ચને જણાવવામાં આવ્‍યું હતું કે HPC ની આગામી બેઠક ૧૭ મે ના રોજ યોજાવાની છે. આના પર, કોર્ટે કેસના પક્ષકારોને સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું. બેન્‍ચે કહ્યું કે જો સમિતિ તેના આદેશનું પાલન કરે છે તો તેણે કારણોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.

(12:05 PM IST)