News of Friday, 2nd May 2025
તણાવ વચ્ચે ભારતની પાકિસ્તાન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક : વડાપ્રધાન શહેબાઝ શરીફનું યુટ્યુબ એકાઉન્ટ બ્લોક
પહલગામ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી યથાવત : અગાઉ પાકિસ્તાની ક્રિકેટરો અને મીડિયા સંસ્થાઓના પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાયા

નવી દિલ્હી: સરહદ પર તણાવ વચ્ચે ભારતે પાકિસ્તાન સામે વધુ એક કડક પગલું ભર્યું છે. ભારતે વડાપ્રધાન શહેબાઝ શરીફના યુટ્યુબ એકાઉન્ટને બંધ કરી દીધું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી જ ભારત સતત પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી રહ્યું છે અને ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી ચૂક્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને 26 લોકોની જાન લીધી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મોરચા સંગઠન TRF નો હાથ હોવાનું કહેવાય છે. આ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી પણ લીધી હતી. ભારતે પાકિસ્તાન પર કડક પ્રહાર કરતા અટારી બોર્ડર બંધ કરવા સહિત પાંચ મોટા નિર્ણયો લીધા હતા. સિંધુ જળ સંધિને પણ અટકાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સેનાને કડક કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સામે ગમે ત્યારે અન્ય કડક પગલાં લેવામાં આવી શકે છે.
હુમલા બાદથી જ પાકિસ્તાનના યુટ્યુબ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવી રહ્યા છે, જેના કારણે સરકારે આ એકાઉન્ટ્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પ્રતિબંધિત કરવામાં આવેલા યુટ્યુબ ચેનલોમાં ન્યૂઝ આઉટલેટ ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જિયો ન્યૂઝ અને સુનો ન્યૂઝના યુટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે. પત્રકાર ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાજી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકના યુટ્યુબ ચેનલ પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત કરવામાં આવેલા અન્ય હેન્ડલમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉજૈર ક્રિકેટ અને રજી નામાનો સમાવેશ થાય છે.
આ પગલું ગૃહ મંત્રાલયની ભલામણો બાદ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના આ યુટ્યુબ ચેનલ ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો સાથે ખોટી માહિતી પ્રસારિત કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પહેલગામ આતંકવાદી હુમલા બાદ એક કાનૂની વિનંતીના કારણે ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. ભારતમાં નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરનારાઓને આ સંદેશ મળી રહ્યો છે, ''ભારતમાં આ એકાઉન્ટ ઉપલબ્ધ નથી. કાનૂની વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.''
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
