<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ગોવાના રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ ચિતરવામાં આવતા વિવાદ : સ્પીકર તાવડકરે ફરિયાદ નોંધાવી

કનાકોના શહેરમાં ત્રણ સ્થળોએ પાકિસ્તાનનો ધ્વજ દોરાતા અજાણ્યા લોકો સામે ફરિયાદ : ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઘટનાની નિંદા કરી કાર્યવાહીની માંગ કરી

પણજી: ગોવાના કનાકોના શહેરમાં એક રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ ચિતરવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. ગોવા વિધાનસભાના સ્પીકર રમેશ તાવડકરની આગેવાની હેઠળ નાગરિકોના એક જૂથે શુક્રવારે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કનાકોનાના ધારાસભ્ય તાવડકરે ફરિયાદમાં જણાવ્યું હતું કે પાડોશી દેશનો ધ્વજ ત્રણ અલગ-અલગ સ્થળોએ દોરવામાં આવ્યો હતો. રસ્તા પર ધ્વજ ચિતરવાનો દેખીતો હેતુ તેનું અપમાન કરવાનો હતો, જેને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ વખોડ્યો છે.
નગરજનો વતી તાવડકરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, "અજાણ્યા વ્યક્તિઓ અથવા ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભારતીય ન્યાય સંહિતા મુજબ તપાસ હાથ ધરવામાં આવે."
આ પહેલાં કોંગ્રેસના નેતા સુનીલ કવઠંકરે પણ આ બાબતે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનો ધ્વજ કોઈપણ ભારતીય સંપત્તિ પર ચિતરવો જોઈએ નહીં, તેના બદલે તેને સળગાવવો જોઈએ.
કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો પહેલગામના આતંકવાદી હુમલા બાદ પાડોશી દેશનો વિરોધ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તો તે ખુલ્લેઆમ કરવું જોઈએ, રાત્રે નહીં. તેમણે ઉમેર્યું હતું કે "દરેક ભારતીયે પાકિસ્તાન સામે જાહેરમાં વિરોધ કરવો જોઈએ."

(6:08 PM IST)