News of Friday, 2nd May 2025
પરબધામના સંત પૂજ્ય કરસનદાસબાપુને હૃદ્યરોગનો હુમલો : રાજકોટની હોસ્પિટલમાં દાખલ
કમ્પલીટ હાર્ટ બ્લોકનું નિદાન : ICUમાં સઘન સારવાર હેઠળ : પેસમેકરથી સારવાર અપાઈ રહી છે

રાજકોટ: પરબધામના જાણીતા અને આદરણીય સંત પૂજ્ય કરસનદાસબાપુને આજે હૃદ્યરોગનો હુમલો આવ્યો હતો, જેના પગલે તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ડોક્ટરોએ તપાસ કરતાં તેમને કમ્પલીટ હાર્ટ બ્લોક હોવાનું નિદાન કર્યું છે. હાલમાં તેઓ હોસ્પિટલના સઘન સારવાર વિભાગ (ICU) માં તબીબોની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર જણાવાઈ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પૂજ્ય કરસનદાસબાપુના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ ધીમા પડી ગયા હતા, જેને નિયંત્રિત કરવા માટે તેમને પેસમેકરની મદદથી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પૂજ્ય કરસનદાસબાપુ પરબધામ અને આસપાસના વિસ્તારોમાં તેમના આધ્યાત્મિક અને સામાજિક કાર્યો માટે ખૂબ જ આદરણીય છે. તેમના હૃદ્યરોગના હુમલાના સમાચારથી તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અને તેઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે સમયાંતરે માહિતી આપવામાં આવશે તેવી અપેક્ષા છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
