<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

જાતિ ગણતરીના પરિણામો ખોલી શકે છે અનામત પરની 50% મર્યાદાને પડકારવાનો માર્ગ : સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચુકાદાઓ અને કેન્દ્ર સરકારના નવા પગલાં પર વિશ્લેષણ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરીથી દેશની અનામત નીતિમાં આવી શકે છે મોટો બદલાવ : વર્ષોથી ચાલી આવતી 50%ની મર્યાદાને વટાવવા માટે મળી શકે છે નક્કર આધાર : ભૂતકાળમાં અનેક રાજ્યોના પ્રયાસો આંકડાકીય માહિતીના અભાવે થયા હતા નિષ્ફળ

નવી દિલ્હી: દાયકાઓથી ભારતમાં અનામત વધારવાની માંગ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી 50%ની મર્યાદા સાથે અથડાઈ રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ ગણતરી આ ચર્ચાને એક નવો વળાંક આપી શકે છે. 1992ના ઈન્દિરા સાહની વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટની નવ જજોની બેન્ચે કહ્યું હતું કે અનામતની મર્યાદા 50%થી વધુ ન હોવી જોઈએ. કોર્ટે મંડલ આયોગની ભલામણોને માન્ય રાખીને ઓબીસી માટે 27% અનામતને મંજૂરી આપી હતી, પરંતુ સાથે જ ક્રીમી લેયરને બાકાત રાખવા અને અસાધારણ સંજોગો સિવાય કુલ અનામત મર્યાદા પર રોક પણ લગાવી હતી.
ત્યારબાદ ઘણી વખત કેન્દ્ર અને રાજ્યો દ્વારા આ મર્યાદાથી ઉપર અનામત આપવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે દર વખતે આંકડા અને તથ્યોની માંગણી કરીને તેને ફગાવી દીધા.
2006માં એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં સુપ્રીમ કોર્ટે એસસી/એસટીને પ્રમોશનમાં અનામત આપવાને કાયદેસર ઠેરવ્યું હતું, પરંતુ ત્રણ માપદંડો પણ નક્કી કર્યા હતા. પછાતપણું, પ્રતિનિધિત્વની કમી અને વહીવટી કાર્યક્ષમતા પર અસરને ધ્યાનમાં રાખીને પ્રમોશનમાં અનામત આપવાની વાત કહેવામાં આવી હતી. રાજ્યોને આ તમામ માપદંડો ડેટા દ્વારા સાબિત કરવા ફરજિયાત જણાવવામાં આવ્યું હતું.
2018ના જરનૈલ સિંહ ચુકાદામાં કોર્ટે એસસી/એસટી માટે પછાતપણું સાબિત કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી, પરંતુ પ્રતિનિધિત્વની કમી અને ડેટા રજૂ કરવાની ફરજિયાતતાને જાળવી રાખી હતી.
સુપ્રીમ કોર્ટે 2014માં જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવાના યુપીએ સરકારના પ્રયાસને ફગાવી દીધો હતો. 2018માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા અનામત વધારવાના કાયદાને પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો કારણ કે તેનાથી 50%ની મર્યાદા ઓળંગાઈ રહી હતી. ત્યારબાદ સંસદે અનુચ્છેદ 342Aમાં સુધારો કરવો પડ્યો જેથી રાજ્યો પોતે SEBC (સામાજિક-આર્થિક પછાત વર્ગ)ની ઓળખ કરી શકે.
પરંતુ સુપ્રીમ કોર્ટે અનામતના લાભોને વધારવાના પ્રયાસોને પણ ફગાવી દીધા છે. દેશની સર્વોચ્ચ અદાલતે બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં જાટોને ઓબીસીની યાદીમાં સામેલ કરવાના તત્કાલીન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના નિર્ણયને રદ કર્યો હતો.
કોર્ટે મહારાષ્ટ્રના 2018ના એક કાયદાને રદ કર્યો હતો, જેણે મરાઠાઓને અનામતનો લાભ આપ્યો હતો. દલીલ કરી હતી કે તેનાથી રાજ્યમાં કુલ અનામત 50%ની મર્યાદાને પાર કરી જશે. તે ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે માત્ર કેન્દ્ર સરકાર જ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અથવા એસઈબીસીને વ્યાખ્યાયિત કરી શકે છે. આ ચુકાદા પછી, સંસદે અનુચ્છેદ 342Aમાં સુધારો કરવો પડ્યો, જેનાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એસઈબીસીની ઓળખ કરવાનો અધિકાર પુનઃસ્થાપિત થયો.
2019માં EWS અનામત
2019માં કેન્દ્રએ બંધારણમાં સુધારો કરીને EWS વર્ગ માટે 10% અનામત લાગુ કરી. આ મર્યાદાની ઉપરની અનામત હતી, પરંતુ 2022માં સુપ્રીમ કોર્ટે તેને કાયદેસર ઠેરવી અને કહ્યું કે આર્થિક આધાર પર અનામત બંધારણ સંમત છે.
હવે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી જાતિ ગણતરી વાસ્તવિક આંકડા અને પ્રતિનિધિત્વની સ્થિતિ દર્શાવશે. ત્યારબાદ તે સંભવતઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરી શકશે. આ ગણતરી આગામી વર્ષોમાં અનામત વ્યવસ્થા અને ન્યાયિક સમીક્ષાના સંદર્ભમાં નીતિ નિર્ધારણ માટે એક નક્કર આધાર બની શકે છે.

(10:13 PM IST)