News of Saturday, 3rd May 2025
સતત નવમા દિવસે પાકિસ્તાનનું ઉશ્કેરણીજનક કૃત્ય : ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
છેલ્લા આઠ દિવસથી સરહદ પર કારણ વગર ફાયરિંગ કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ ગઈ રાત્રે આપ્યો આકરો જવાબ

શ્રીનગર: ભારતીય સેનાએ 2 અને 3 મેની મધ્યરાત્રિએ નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી અકારણ અને નાના હથિયારોની ગોળીબારીનો સખત પ્રતિકાર કર્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના કુપવાડા, ઉરી અને અખનૂર સેક્ટરમાં અચાનક નાના હથિયારોથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્વરિત અને સંતુલિત રીતે કાર્યવાહી કરી હતી.
આ પહેલાં 1 અને 2 મેની રાત્રે પણ પાકિસ્તાન તરફથી કુપવાડા, બારામુલા, પૂંછ, નૌશેરા અને અખનૂર સેક્ટરમાં આ જ પ્રકારની ગોળીબારી કરવામાં આવી હતી, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, સૈનિકોએ આ કોઈપણ જાતના ઉશ્કેરણી વગરની ફાયરિંગનો 'સુનિયોજિત' અને 'સપ્રમાણ' રીતે જવાબ આપ્યો છે. આ સતત નવમો દિવસ છે જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની આવી કાર્યવાહીનો જોરદાર જવાબ આપી રહી છે. પાકિસ્તાન તરફથી આ પ્રકારની પ્રથમ ગોળીબારી 25-26 એપ્રિલની રાત્રે શરૂ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એક મોટું પગલું ભરતા 30 એપ્રિલથી 23 મે (સંભવિત સમયગાળો) સુધી તેના હવાઈ ક્ષેત્રને પાકિસ્તાનના રજિસ્ટર્ડ, ઓપરેશનલ અથવા લીઝ પર લેવામાં આવેલા તમામ વિમાનો (સૈન્ય ઉડાન સહિત) માટે બંધ કરી દીધું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અનુસાર, આ માટે એક નોટિસ ટુ એરમેન (NOTAM) પણ જાહેર કરવામાં આવી છે.
તે જ સમયે, મંગળવારે ભારત અને પાકિસ્તાનના સૈન્ય કાર્યવાહીના મહાનિર્દેશકો (DGMO) વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ હતી, જેમાં પાકિસ્તાન દ્વારા LoC પર કરવામાં આવી રહેલા યુદ્ધવિરામ ભંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનને આ ઉશ્કેરણીજનક કાર્યવાહીને લઈને સખત ચેતવણી આપી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
