News of Saturday, 3rd May 2025
દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનની અસર : 500 ફ્લાઇટ્સ મોડી, એરલાઇન્સે એલર્ટ જાહેર કર્યું
રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ફ્લાઇટ્સના રૂટ બદલાયા : મુસાફરો અટવાયા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે આવેલા ભારે પવન અને વરસાદના કારણે હવાઈ સેવા પર ગંભીર અસર પડી છે. ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરનારી ત્રણ ફ્લાઇટ્સના રૂટ બદલવાની ફરજ પડી હતી, જ્યારે 500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે 1901 પછી મે મહિનામાં રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં આ બીજી સૌથી વધુ વરસાદની ઘટના છે.
એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરનારી બે ફ્લાઇટ્સને જયપુર અને એક ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. વેબસાઇટ ફ્લાઇટરાડાર24.કોમ અનુસાર, 500થી વધુ ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડી હતી.
એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)એ સવારે 5:20 વાગ્યે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ડાયલે સવારે 7:25 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારે પવન અને વરસાદ હવે થંભી ગયો છે, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ્સના સંચાલન પર થોડી અસર જોવા મળી રહી છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઇટના સમય અંગે અપડેટ રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
