<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મા વૈષ્ણોદેવીના ત્રિકુટા પર્વત પર વીજળી પડી : કેમેરામાં કેદ થઈ ઘટના : અદ્ભુત નજારો જોઈ ભક્તો થયા આશ્ચર્યચકિત : જુઓ વિડિયો

જમ્મુ-કાશ્મીરમાં અચાનક બદલાયેલા હવામાન વચ્ચે કટરામાં ત્રિકુટા પર્વત પર વીજળી પડવાનો વીડિયો વાયરલ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે અચાનક હવામાને પલટો માર્યો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. આ દરમિયાન કટરામાં શ્રી માતા વૈષ્ણોદેવીના ત્રિકુટા પર્વત પર વીજળી પડવાનો એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થયો છે. એક વ્યક્તિ જ્યારે રમણીય હવામાનનો વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે જ આકાશી વીજળી સીધી ત્રિકુટા પર્વત પર ત્રાટકી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
નોંધનીય છે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાંજે પાંચ વાગ્યે અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે, હવામાનમાં સુધારો થતાં જ રસ્તા પર પડેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, રામબનમાં ભારે વરસાદના કારણે પહાડો પરથી પડેલા કાટમાળને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. સેરી ચંબા વિસ્તારમાં રાજમાર્ગની બંને બાજુ સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. લગભગ સાડા છ કલાક બાદ રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં હાઈવેને બંને તરફથી વાહનો પસાર થઈ શકે તેવો બનાવી દેવામાં આવ્યો હતો. કાઝીગુંડથી જમ્મુ તરફ અને ઉધમપુરથી કાશ્મીર તરફ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જો કે, સુખદ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓ ભારે આસ્થા સાથે મા વૈષ્ણોદેવીની યાત્રા કરી રહ્યા છે. ગુરુવારે દિવસભર અહીં આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા, જ્યારે રાત્રિના સમયે અચાનક ગાજવીજ અને ચમક સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓને વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન રાત્રે હળવા વરસાદનો પણ સામનો કરવો પડ્યો હતો.
તે જ સમયે, રાત્રિના સમયે મા વૈષ્ણોદેવીના ત્રિકુટા પર્વતની ઉપરની ચોટીઓ પર પડેલી આકાશી વીજળીનો અદભૂત નજારો જોવા મળ્યો હતો, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાતભર સતત ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો, જ્યારે રાત્રિના સમયે મા વૈષ્ણોદેવીની યાત્રા માટે નીકળેલા શ્રદ્ધાળુઓ જયકારા લગાવતા સતત ભવન તરફ આગળ વધતા રહ્યા હતા.

 

(11:18 AM IST)