<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રિપેરબિલિટી ઇન્ડેક્સ : હવે દરેક ફોનનો હશે 'રિપેર સ્કોર' : ખરીદતા પહેલાં જાણી શકાશે ડિવાઇસ કેટલું ટકશે

સરકારની પહેલ : ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મરામતની ક્ષમતાને આધારે રેટિંગ સિસ્ટમ શરૂ કરાશે : ગ્રાહકોને ખરીદીમાં સરળતા રહેશે

નવી દિલ્હી: સ્માર્ટફોન ઉત્પાદકોએ ટૂંક સમયમાં તેમના ડિવાઇસની મરામત થઈ શકવાની સંભાવના વિશે માહિતી આપવી જરૂરી બની શકે છે. આનાથી ગ્રાહકો માટે તે ડિવાઇસ ખરીદવા અંગે યોગ્ય નિર્ણય લેવાનું સરળ બનશે. સરળ ભાષામાં કહીએ તો, તમે મોબાઇલ ખરીદતા પહેલાં જાણી શકશો કે તે ફોનના રિપેર થવાની કેટલી શક્યતા છે અને તે કેટલો ટકાઉ છે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિએ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મરામત ક્ષમતા સંબંધિત રેટિંગ વ્યવસ્થા શરૂ કરવાની ભલામણ કરતો એક રિપોર્ટ શુક્રવારે રજૂ કર્યો હતો. ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિક સચિવ ભરત ખેરાની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિએ ઉદ્યોગ જગત અને ગ્રાહક સંગઠનો વચ્ચે બનેલી સહમતિ બાદ આ રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, "કંપનીઓ લાંબા સમય સુધી ચાલે તેવા ઉપકરણો બનાવી રહી નથી. હકીકતમાં, તેઓ ગ્રાહકોને બીજું ઉત્પાદન ખરીદવા માટે મજબૂર કરી રહી છે, કારણ કે તેમણે તેને બજારમાંથી બહાર કરવાની યોજના બનાવી લીધી છે. ટેક્નોલોજીએ હવે ઉત્પાદનોને નિષ્ફળ બનાવવા અને તેમનું આયુષ્ય ઘટાડવાનું શક્ય બનાવ્યું છે."
તેમણે કહ્યું હતું કે ફોન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મરામત ક્ષમતા સંબંધિત સૂચકાંક લાવવા પાછળનો હેતુ એ છે કે ઉત્પાદકો મરામત સંબંધિત વાતાવરણ પૂરું પાડવાની તેમની જવાબદારી પ્રત્યે સંવેદનશીલ હોય. આ સૂચકાંકના આધારે ઉત્પાદનોને રેટિંગ આપવામાં આવશે જેથી ગ્રાહકો તેના આધારે નિર્ણય લઈ શકે. ખરેએ કહ્યું હતું કે, "સમિતિએ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. હવે મંત્રાલય આ ભલામણોની તપાસ કરશે અને તે મુજબ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરશે."
સમિતિના વડા ખરેએ કહ્યું હતું કે આ વ્યવસ્થા તેના પ્રથમ તબક્કામાં સ્માર્ટફોન અને ટેબ્લેટને આવરી લેશે. તેના આગામી તબક્કામાં લેપટોપ, ડેસ્કટોપ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થઈ શકે છે. સમિતિએ પાંચ-પોઇન્ટના રેટિંગ સ્કેલની ભલામણ કરી છે જેને વેચાણ કેન્દ્રો, પેકેજિંગ અને વેબસાઇટ પર સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ. આ રેટિંગની જાહેરાત માટે ઉપકરણ ઉત્પાદકો જવાબદાર રહેશે.
મોબાઇલ ફોનની રેટિંગ ઘણા માપદંડો પર આધારિત હશે જેમાં ડિસ્પ્લે સ્ક્રીન, બેટરી, કેમેરા, ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર જેવા મુખ્ય ઘટકોની મરામતની ક્ષમતા, ખોલવામાં સરળતા, સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા અને સોફ્ટવેર અપડેટની નીતિઓનો સમાવેશ થાય છે. ખેરાએ કહ્યું હતું કે, "જો કોઈ સેવા સંતોષકારક હશે, તો તેને પાંચનું રેટિંગ મળશે જ્યારે મધ્યમ સ્તરનું હોવા પર ત્રણ રેટિંગ મળશે."
યુરોપિયન યુનિયન, અમેરિકા અને ફ્રાન્સમાં પણ આવા ધોરણો અસ્તિત્વમાં છે, જ્યારે અન્ય દેશો આવા પગલાં લાગુ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, "ભારત એક મહત્વપૂર્ણ અર્થતંત્ર છે, તેથી તેને પાછળ છોડી શકાય તેમ ન હતું." ચીન પછી ભારત સ્માર્ટફોન માટે વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. હાલમાં ફીચર ફોનને આ રેટિંગથી બહાર રાખવાનો પ્રસ્તાવ છે પરંતુ ભવિષ્યમાં તેનો વ્યાપ ધીમે ધીમે વધી શકે છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય માર્ગદર્શિકા જાહેર કરતાં પહેલાં ભલામણોની તપાસ કરશે.

 

(11:58 AM IST)