<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વ્હોટ્સએપ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ : ટ્રેડિંગ કૌભાંડ આ રીતે ચાલે છે : ઝીરોધાના સીઇઓ નિતિન કામતે કર્યો ખુલાસો

ઝીરોધાના નામે વ્હોટ્સએપ પર જોરદાર છેતરપિંડી : અનેક રોકાણકારો ફસાયા : કંપનીએ યુઝર્સને કર્યા સાવધાન

નવી દિલ્હી: ઝીરોધા (Zerodha)ના સીઇઓ નિતિન કામતનું કહેવું છે કે રોકાણ સાથે જોડાયેલા તમામ કૌભાંડોમાં સૌથી વધુ શિકાર વ્હોટ્સએપે બનાવ્યા છે. ઝીરોધાના નામે વ્હોટ્સએપ પર જોરદાર છેતરપિંડી ચાલી રહી છે અને તેમાં ઘણા રોકાણકારો ફસાઈ રહ્યા છે. આ અંગે ઝીરોધાના સીઇઓ નિતિન કામતે પોતે રોકાણકારોને ચેતવણી આપી છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે કે રોકાણ સાથે જોડાયેલા તમામ કૌભાંડોમાં સૌથી વધુ શિકાર વ્હોટ્સએપે બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે વ્હોટ્સએપ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કેવી રીતે કામ કરે છે. આ ઉપરાંત તેમણે અંતમાં રોકાણકારોને સાવધાન કરતાં લખ્યું છે કે ઝીરોધા સ્ટોક સાથે જોડાયેલી ટિપ્સ આપતું નથી, ન તો રોકાણ સંબંધિત સલાહ આપે છે અને ન તો ટ્રેડિંગ સંબંધિત સંકેતો માટે વ્હોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપ ચલાવે છે. તેમણે કહ્યું કે ઝીરોધા પોતાના તમામ સંદેશા વેરિફાઇડ ચેનલ દ્વારા જારી કરે છે.
વ્હોટ્સએપ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કેવી રીતે કામ કરે છે?
સૌથી પહેલાં તો તમને ઝીરોધા એલાઇટ ટ્રેડર્સ (Zerodha Elite Traders) અથવા પ્રીમિયમ ઇન્વેસ્ટર્સ ક્લબ (Premium Investors Club) જેવા ગ્રુપમાં જોડવામાં આવે છે. તેનો લોગો, રંગ અને અહીં સુધી કે સેબીનો લાઇસન્સ નંબર પણ કાયદેસર લાગે છે. ઝીરોધાના સીઇઓ નિતિન કામતના જણાવ્યા અનુસાર તેમાં એડમિન પોતાને નિતિન, નિખિલ, વેણુ અથવા ઝીરોધાના જ કોઈ કર્મચારી તરીકે દર્શાવે છે.
થોડા જ કલાકોમાં ચેટ પર ઇન્ટ્રા-ડેમાં 100-200 ટકા રિટર્નના સ્ક્રીન શોટનો જાણે કે પૂર આવી જાય છે જે સંપૂર્ણપણે નકલી હોય છે.
તેમાં પ્રીમિયમ સિગ્નલનો મેસેજ મોકલવામાં આવે છે. તેમાં એક ફેક એપની લિંક મોકલવામાં આવે છે જે હૂબહૂ ઝીરોધાના કાઇટ જેવી જ દેખાય છે. એકવાર જ્યારે તમે પૈસા જમા કરો છો તો ડેશબોર્ડ પર નફો પણ દેખાય છે.
જો કે જ્યારે તમે નફો ઉપાડવાનો પ્રયાસ કરો છો તો તમારી પાસેથી પ્રોસેસિંગ ફી, ટેક્સ અને વેરિફિકેશન ચાર્જીસ ચૂકવવાનું કહેવામાં આવે છે. સ્કેમર્સ પૂરા પૈસા લઈને ભાગી જાય છે.

 

(1:48 PM IST)