<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પહેલગામ હુમલા પર વડાપ્રધાન મોદીનું આકરું નિવેદન 'આતંકવાદ માનવતા માટે ખતરો, નિર્ણાયક કાર્યવાહી કરાશે'

અંગોલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાનનું સંબોધન : સરહદ પારના આતંકવાદ સામે લડવા ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ લૌરેન્કો સાથે દ્વિપક્ષીય બેઠક બાદ સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે રાષ્ટ્રપતિ લૌરેન્કો અને અંગોલા દ્વારા વ્યક્ત કરાયેલી સંવેદના બદલ તેમનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આતંકવાદીઓ અને તેમને સમર્થન કરનારાઓ સામે મક્કમ અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સરહદ પારના આતંકવાદ સામેની લડાઈમાં અંગોલા દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો.
અંગોલાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત ઐતિહાસિક ક્ષણ
અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે. શનિવારે અંગોલાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "હું રાષ્ટ્રપતિ લોરેન્સુ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષો બાદ અંગોલાના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત થઈ રહી છે. તેમની આ મુલાકાતથી માત્ર ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ જ નહીં મળે, પરંતુ ભારત અને આફ્રિકા ભાગીદારીને પણ બળ મળશે." વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, "આ વર્ષે ભારત અને અંગોલા તેમના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. પરંતુ અમારા સંબંધો તેનાથી પણ ઘણા જૂના અને ઘણા ઊંડા છે. જ્યારે અંગોલા આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે ભારત પણ પૂરી આસ્થા અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે અંગોલાની સાથે ઊભું હતું."
ભારત અને અંગોલા સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારશે
વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો કે અંગોલાના સૈન્યના આધુનિકીકરણ માટે 20 કરોડ ડોલરની ડિફેન્સ ક્રેડિટ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ પ્લેટફોર્મ્સની મરામત અને ફેરફાર અને સપ્લાય અંગે પણ વાતચીત થઈ છે. તેમણે કહ્યું હતું કે અંગોલાના સશસ્ત્ર દળોની તાલીમમાં સહયોગ કરવામાં ભારતને ખુશી થશે. આ સાથે જ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેસ ટેક્નોલોજી અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં પણ અંગોલા સાથે પોતાની ક્ષમતાઓ શેર કરવામાં આવશે. ભારત આરોગ્ય, ડાયમંડ પ્રોસેસિંગ, ફર્ટિલાઇઝર અને મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રોમાં પણ સહયોગ મજબૂત કરશે.

 

(2:51 PM IST)