News of Saturday, 3rd May 2025
શિરડીના સાંઈ સંસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પોલીસ તપાસ શરૂ
અજાણ્યા વ્યક્તિએ ઈમેલ દ્વારા આપી ધમકી : મંદિરની સુરક્ષા વધારાઈ : તપાસ એજન્સીઓ એલર્ટ

શિરડી: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શિરડી સાંઈ બાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શિરડી સાંઈ બાબા સંસ્થાનને એક ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. મેલમાં લખવામાં આવ્યું હતું કે મંદિર પરિસરને ટૂંક સમયમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ટ્રસ્ટને આ મેલ મળતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
શિરડી સાંઈ સંસ્થાનના અધિકારીઓએ જણાવ્યું કે તેમને આ ધમકીભર્યો મેલ આજે મળ્યો હતો. મેલમાં ધમકી આપનારે પોતાનું નામ અને ઓળખ છુપાવી છે. સંસ્થાને આ મેલને ગંભીરતાથી લેતા શિરડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને સાયબર સેલને જાણ કરી છે. સાયબર એક્સપર્ટ્સ હવે મેલની તપાસ કરી રહ્યા છે કે તે ક્યાંથી અને કોણે મોકલ્યો છે.
ધમકી બાદ શિરડી સાંઈ મંદિરની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દળની તૈનાતી વધારી દેવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તોની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને દરેક આવન-જાવન કરનાર પર નજર રાખવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ મંદિર ટ્રસ્ટ અને પોલીસ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કોઈની મસ્તી પણ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ધમકીભર્યા મેલની તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સત્ય સામે આવી જશે. હાલમાં મંદિરમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાશો નહીં અને પોલીસને સહકાર આપો. શિરડી સાંઈ સંસ્થાને કહ્યું છે કે ભક્તોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
