<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

શિમલામાં સંજોલી મસ્જિદની તમામ ગેરકાયદેસર ઇમારતો તોડી પડાશે : નિગમ કોર્ટનો મોટો આદેશ

વક્ફ બોર્ડના વકીલ યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ : કોર્ટે બાકીની બે માળની ઇમારતો તોડવાનો આદેશ આપ્યો

શિમલા: હિમાચલ પ્રદેશના વિવાદાસ્પદ સંજોલી મસ્જિદ કેસમાં શિમલા નગર નિગમ કમિશનર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાકી બચેલી નીચેની બે માળની ઇમારતોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો છે. વક્ફ બોર્ડના વકીલ મસ્જિદની જમીન પર માલિકી હકના યોગ્ય દસ્તાવેજો અને મસ્જિદનો નકશો રજૂ કરી શક્યા ન હતા અને ન તો તેઓ મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરી શક્યા હતા.
નગર નિગમ કમિશનર કોર્ટમાં આજે સંજોલી મસ્જિદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગર નિગમ કમિશનરે બાકી બચેલી નીચેની બે માળની ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. વક્ફ બોર્ડે આજે મસ્જિદની જમીન પર માલિકી હકના કાગળો કોર્ટમાં રજૂ કરવાના હતા, સાથે જ મસ્જિદનો નકશો પણ કોર્ટને આપવાનો હતો. પરંતુ વક્ફના વકીલ ન તો યોગ્ય કાગળો આપી શક્યા ન તો મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરી શક્યા.
વક્ફ બોર્ડના વકીલે કહ્યું કે આ જગ્યાએ મસ્જિદ 1947 પહેલાંની હતી, જેને તોડીને નવી બનાવવામાં આવી. સંજોલી લોકલ રેસિડેન્ટના વકીલ જગત પાલે કહ્યું કે નગર નિગમ કોર્ટે પૂછ્યું કે જો મસ્જિદ 1947 પહેલાંની હતી તો જૂની મસ્જિદને તોડીને નવી બનાવવા માટે નગર નિગમ પાસેથી નકશા સહિત અન્ય જરૂરી પરવાનગીઓ કેમ લેવામાં ન આવી. નિયમોને નેવે મૂકીને આખી મસ્જિદ બનાવવામાં આવી. પોણા કલાક સુધી ચાલેલી દલીલ બાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બપોરે એક વાગ્યા બાદ નગર નિગમ કમિશનર ભૂપિન્દર અત્રીએ ચુકાદો સંભળાવ્યો. જેમાં સ્પષ્ટપણે કહ્યું કે આખી મસ્જિદ ગેરકાયદેસર છે, જેને તોડી પાડવામાં આવે.
શિમલાના મટિયાણામાં યુવકોની મારપીટ બાદ સંજોલી મસ્જિદ વિવાદ ઉભો થયો હતો અને હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું. 11 સપ્ટેમ્બરના રોજ સંજોલી મસ્જિદ કમિટીએ ગેરકાયદેસર ગણાતા ભાગને હટાવવાની ઓફર કરી હતી. પાંચ ઓક્ટોબરના રોજ નગર નિગમ કમિશનરની કોર્ટે મસ્જિદના ત્રણ માળ તોડવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ આ મામલે કમિશનર અને અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ઘણા સમય સુધી સુનાવણી ચાલી. અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશની કોર્ટમાંથી પણ મુસ્લિમ સમુદાયની તરફેણમાં નિર્ણય આવ્યો ન હતો.

 

(4:18 PM IST)