<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના મંગોચર શહેર પર કબજો જમાવ્યો : ક્વેટા-કરાચી હાઈવે બંધ

સરકારી ઇમારતો પર નિયંત્રણ : અધિકારીઓને બંધક બનાવાયા : તાજેતરના આઈઈડી હુમલામાં 10 સૈનિકોના મોત બાદ કાર્યવાહી

ક્વેટા/કરાચી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ મંગોચર શહેર પર કબજો કરી લીધો છે. સશસ્ત્ર જૂથે સરકારી ઇમારતો પર નિયંત્રણ મેળવી લીધું છે અને કેટલાક લશ્કરી તેમજ સરકારી અધિકારીઓને બંધક બનાવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે ક્વેટા-કરાચી હાઈવે પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, બીએલએના સશસ્ત્ર દળોએ મંગોચરની સરકારી ઇમારતો પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું છે. કેટલાક લશ્કરી અને સરકારી અધિકારીઓને પણ બંધક બનાવવામાં આવ્યા છે. આ હુમલાએ પાકિસ્તાનની સેના અને સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
શુક્રવારની સાંજે, નકાબધારી હથિયારધારીઓએ મંગોચરમાં ક્વેટા-કરાચી હાઈવેને બંધ કરી દીધો હતો, જે બીએલએ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. ડોનના અહેવાલ મુજબ, તેમણે ખાનગી કાર અને પેસેન્જર બસો સહિત અનેક વાહનોને રોકીને તેમની તપાસ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હથિયારધારીઓએ મંગોચર બજારમાં પ્રવેશ કરીને અનેક સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી.
આ હુમલો બીએલએ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આઈઈડી હુમલા બાદ થયો છે, જેમાં પાકિસ્તાનના 10 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સરકારે હજી સુધી મંગોચરની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. અહેવાલો અનુસાર, સુરક્ષા દળો જવાબી કાર્યવાહી માટે એકત્ર થઈ રહ્યા છે, જેથી શહેર પર ફરીથી નિયંત્રણ મેળવી શકાય.

 

(4:49 PM IST)