News of Saturday, 3rd May 2025
મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચે સીધી રેલ સેવા શરૂ :મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી આપી
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપી:અગાઉ, રેલ્વે મંત્રીએ બીકેસીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેનના પહેલા સ્ટેશનની મુલાકાત લીધી

નવી દિલ્હી : ભારત સરકારે ત્રણ મોટા રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચે સીધી રેલ સેવા શરૂ કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે પુણે-જોધપુર એક્સપ્રેસ અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-જોધપુર (ભગત કી કોઠી) એક્સપ્રેસને લીલી ઝંડી આપી. આ બે નવી ટ્રેનો શરૂ થવાથી મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં સુવિધા મળશે જ, પરંતુ વેપાર, વાણિજ્ય અને પર્યટનને પણ મોટો વેગ મળશે.
આ સાથે, ત્રણેય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક અને પ્રાદેશિક એકતા પણ મજબૂત થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં જે નથી બન્યું તે છેલ્લા 10 વર્ષમાં થયું છે. ૧૩૦૦ થી વધુ રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ૩૪,૦૦૦ કિલોમીટર નવા રેલ્વે ટ્રેક ઉમેરવામાં આવ્યા છે જે જર્મની જેવા દેશના સમગ્ર નેટવર્ક જેટલું છે.
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે પુણે જંકશનનો સંપૂર્ણ પુનર્વિકાસ કરવામાં આવશે અને પુણે-લોનાવાલા અને ઇન્દોર-મનમાડ રેલ્વે લાઇન વચ્ચે ત્રીજી અને ચોથી રેલ્વે લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. નાસિક મહાકુંભ 2027 ને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ, રેલ્વે મંત્રીએ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે નિર્માણાધીન ભૂગર્ભ બુલેટ ટ્રેનના પ્રથમ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી
અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે મુંબઈમાં બીકેસી ખાતે પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. બીકેસીની મુલાકાત દરમિયાન, રેલ્વે મંત્રીની સાથે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના અધિકારીઓ તેમજ મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વેના પ્રતિનિધિઓ પણ હતા. NHSRCL 500 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અમલ કરી રહ્યું છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે બીકેસીમાં બુલેટ ટ્રેનના પહેલા સ્ટેશનની દિવાલનું કામ શરૂ થઈ ગયું છે અને ટનલનું કામ પણ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જમીન સંપાદન પછી, ટનલ વિભાગ ઉપરાંત, મહારાષ્ટ્ર વિભાગમાં તમામ બાંધકામ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. NHSRCL ના અધિકારીઓએ જણાવ્યું હતું કે BKC બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું લગભગ 76 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
