<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

લ્યો બોલો..! રાજસ્થાનનાં બાગીદૌરાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલ ૨૦ લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

વિધાનસભામાં પ્રશ્નો પૂછવા અને પછી પાછા ખેંચવા માટે લાંચ માંગવાનો આરોપ : ૨.૫ કરોડની માંગણી હતી

જયપુર: રાજસ્થાનના ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો (ACB) ના મુખ્યાલયથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાંસવાડાના બાગીદૌરાથી ભારતીય આદિવાસી પાર્ટી (BAP) ના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ લાંચના કેસમાં ઝડપી પાડ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે ધારાસભ્યના ગનમેન દ્વારા ૨૦ લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો લાંચ તરીકે લેવામાં આવી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કુલ ૨.૫ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ACBની ટીમે જયકૃષ્ણ પટેલને કસ્ટડીમાં લીધા છે અને હાલમાં ધારાસભ્યના નિવાસસ્થાને કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ, લાંચની રકમ લઈને ફરાર થયેલા ગનમેનની શોધખોળ ચાલી રહી છે.
આ મામલે ACBના મહાનિર્દેશક ડો. રવિ પ્રકાશ મેહરડા આજે સાંજે ૫:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં કાર્યવાહી સંબંધિત વિસ્તૃત માહિતી શેર કરવામાં આવશે. ધારાસભ્યની ધરપકડથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને સૌની નજર હવે આગળની કાર્યવાહી પર ટકેલી છે.

 

(4:36 PM IST)