News of Sunday, 4th May 2025
કમળાથી મૃત્યુ પામેલી ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીનું પરિણામ જાહેર થતાં મળ્યો શાળામાં પ્રથમ ક્રમાંક
ગંભીર બીમારીમાં પણ પરીક્ષા આપનાર થોઇબી મુખર્જી પરિણામના થોડા દિવસો પહેલાં જ દુનિયા છોડી ગઈ : શાળામાં શોકનું મોજુ

કોલકાતા: પશ્ચિમ બંગાળના બર્ધમાનની એક વિદ્યાર્થિની, જેણે ગંભીર બીમારી હોવા છતાં ધોરણ ૧૦ની રાજ્ય બોર્ડની પરીક્ષા આપી હતી, તેનું પરિણામ જાહેર થતાં શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે. પરંતુ થોઇબી મુખર્જી હવે આ ખુશીની ઉજવણી કરવા માટે હયાત નથી. ૧૬ વર્ષની થોઇબીનું પરિણામના થોડા દિવસો પહેલાં કમળા સામે લડતાં મૃત્યુ થયું હતું.
જે તાવ સાથે તેણીએ પરીક્ષા આપી હતી તે બીમારીની શરૂઆત હતી. પરંતુ પરીક્ષા પછી જ તેને કમળો હોવાનું નિદાન થયું. ત્યાં સુધીમાં તેનું લીવર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. તેને હૈદરાબાદ સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ ૧૬ એપ્રિલના રોજ તે જીવનની લડાઈ હારી ગઈ.
ગઈકાલે બંગાળ બોર્ડની પરીક્ષાનું પરિણામ બહાર આવ્યું, અને તેની શાળા, ઉમા રાની ગોરાઈ મહિલા કલ્યાણ સ્કૂલમાં થોડા જ લોકોની આંખો કોરી રહી હશે. મુખ્ય શિક્ષિકા પાપરી મુખર્જીએ પત્રકારોને જણાવ્યું કે ૧૬ વર્ષની થોઇબી પરીક્ષા દરમિયાન ખૂબ જ બીમાર હતી, જેના કારણે પરીક્ષા કેન્દ્રના શિક્ષકો પણ ચિંતિત હતા.
મુખર્જીએ કહ્યું, "સમયાંતરે, તે લાંબા સમય સુધી લખી શકતી ન હતી અને તેના હાથ પર માથું ટેકવીને આરામ કરતી હતી." મુખ્ય શિક્ષિકાએ કહ્યું, "તેના ૬૭૪ ગુણ કોઈ દિલાસો નથી. અમે ઈચ્છતા હતા કે તેણીએ આટલો સખત પ્રયાસ ન કર્યો હોત... આ વર્ષે પરીક્ષા છોડી દીધી હોત તો પણ ચાલત. ઓછામાં ઓછું તે હજી પણ અમારી વચ્ચે હોત."
તેની દાદી સબિતા મુખર્જીએ કહ્યું, "તે ખૂબ જ ખુશ થઈ હોત, પરંતુ તે નસીબમાં નહોતું." તેમણે ઉમેર્યું, "દરેક કહેતા હતા કે તે પ્રથમ કે બીજા નંબરે આવશે. અમે ક્યારેય માન્યું નહોતું. અમને લાગ્યું કે તે પ્રથમ ૧૦માં આવશે. તે આ પરિણામ જોઈ શકી નહીં. તે ખૂબ જ ખુશ થઈ હોત. જો તે અહીં હોત તો આખો દિવસ ટેલિવિઝનની સામે બેઠી હોત," એમ કહેતાં તેઓ રડી પડ્યાં.
તેના દાદા બસંતી દાસ મુખર્જીએ રડતાં કહ્યું, "તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને ચાર શિષ્યવૃત્તિ મળી હતી. પરંતુ તેના પર ઘણું દબાણ આવી ગયું હતું. તેઓ સમયસર તેનું નિદાન કરી શક્યા નહીં."
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
