News of Monday, 5th May 2025
ઉજ્જૈનના વિશ્વ વિખ્યાત પવિત્ર મહાકાલ મંદિરમાં આગ ફાટી નીકળતા ભક્તોમાં ગભરાટ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી: મંદિર દર્શન માટે બંધ કરાયું: કોઈ જાનહાની નથી

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રખ્યાત મહાકાલ મંદિરમાં સોમવારે સવારે અચાનક આગ લાગવાની ઘટનાએ ભક્તોમાં ગભરાટ ફેલાવ્યો. મંદિરના ગેટ નંબર એક પર લાગેલી આગની જ્વાળાઓએ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા.
પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે લગભગ બાર વાગ્યે મંદિરના મુખ્ય દ્વાર પાસે આગની શરૂઆત થઈ, જે ઝડપથી ફેલાઈ. આગની તીવ્રતા એટલી હતી કે ભક્તો અને મંદિરના કર્મચારીઓએ તાત્કાલિક સલામત સ્થળે જવું પડ્યું.
ફાયર બ્રિગેડે લગભગ એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી, પરંતુ મંદિરના ગેટના ભાગને નુકસાન થયું છે.
આ ઘટના બાદ મહાકાલ મંદિરની સુરક્ષા અને ઈલેક્ટ્રિકલ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિક પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે, જેમાં શોર્ટ સર્કિટના કારણો અને મંદિરની વિદ્યુત લાઈનોની સ્થિતિની ચકાસણી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભક્તોની સુરક્ષા માટે મંદિરમાં હાલ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેટલાક અહેવાલો અનુસાર, આગ લાગવાની ઘટના દરમિયાન મંદિરમાં હજારો ભક્તો હાજર હતા, જેમણે ધુમાડો અને જ્વાળાઓ જોઈને ભાગદોડ મચાવી હતી. કેટલાક સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે મંદિરની ઈલેક્ટ્રિકલ વ્યવસ્થા જૂની હોવાથી આવી ઘટનાઓનો ખતરો રહે છે. ઉજ્જૈન પોલીસે ઘટનાની તપાસ માટે નિષ્ણાતોની ટીમ રચી છે, અને મંદિરના વહીવટકર્તાઓએ ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મંદિરમાં આગ નિવારણ સાધનોની અછત હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જેની તપાસ પ્રશાસન કરી રહ્યું છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
