<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

લાલ કિલ્લાના માલિકી હક્કનો દાવો કરતી મહિલાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

પોતાને અંતિમ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર બીજાના પરપોત્રની વિધવા ગણાવીને મહિલાએ કર્યો હતો દાવો : ચીફ જસ્ટિસે અરજદારને પૂછ્યું - "ફક્ત લાલ કિલ્લો જ કેમ? ફતેહપુર સીકરી કેમ છોડ્યું?"

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે (૫ મે) એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણીએ પોતાને અંતિમ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર બીજાના પરપોત્રની વિધવા ગણાવીને લાલ કિલ્લાના માલિકી હક્કનો દાવો કર્યો હતો.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે સુલતાના બેગમ દ્વારા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી વિશેષ પરવાનગી અરજી (SLP)ને ફગાવી દીધી.
ચીફ જસ્ટિસ ખન્નાએ કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે, "ફક્ત લાલ કિલ્લો જ કેમ? ફતેહપુર સીકરી કેમ છોડ્યું?" ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે આ રિટ અરજી સંપૂર્ણપણે ભ્રામક અને અસંગત છે.
અરજદાર સુલતાના બેગમે દાવો કર્યો હતો કે ૧૮૫૭માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેમની પાસેથી લાલ કિલ્લાની માલિકી જબરદસ્તીથી છીનવી લીધી હતી. દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેન્ચે ૨૦૨૧માં આ અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે કોર્ટમાં આવવામાં અતિશય વિલંબ થયો છે. ત્યારબાદ ડિસેમ્બર, ૨૦૨૪માં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ સિંગલ બેન્ચના આદેશને યથાવત રાખ્યો હતો.
બેગમે પોતાની અરજીમાં કહ્યું હતું કે બહાદુર શાહ ઝફર બીજાના વારસદાર હોવાના કારણે તેમને લાલ કિલ્લાના કાયદેસરના ઉત્તરાધિકારી માનવામાં આવે અને સરકાર દ્વારા કિલ્લા પરનો કબજો ગેરકાયદેસર છે. તેમણે એવી પણ માંગણી કરી હતી કે ૧૮૫૭થી અત્યાર સુધી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર કબજા માટે તેમને વળતર ચૂકવવામાં આવે.

 

(2:51 PM IST)