News of Wednesday, 7th May 2025
ભારતે કાયરતાપૂર્વક કરેલા હુમલાનો જડબાતોડ જવાબ મળશે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની એરસ્ટ્રાઇક બાદ પોકળ ધમકી : ઇમરજન્સી બેઠક બોલાવી

નવી દિલ્હી, તા.૭: ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકળત કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. ભારતે મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, બિમ્બર, સિયાલકોટ, ચક અમરુ, મુરિદકે અને બહાવલપુરમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી છે. પાકિસ્તાનની સેનાએ ભારતના હુમલાઓની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ હુમલા ભારતીય હવાઈ ક્ષેત્રથી કરવામાં આવ્યા છે. ભારતે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરી છે. પાકિસ્તાને આ હુમલાઓની નિંદા કરી છે અને બદલો લેવાની ચેતવણી આપી છે. આ નવીનતમ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના હુમલાઓની નિંદા કરતા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, દુશ્મનોએ પાકિસ્તાનમાં કાયરતાપૂર્ણ હુમલા કર્યા છે. ભારતે યુદ્ધ શરૂ કરી દીધું છે અને પાકિસ્તાનને લાદવામાં આવેલા યુદ્ધનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. ચોક્કસપણે કડક જવાબ આપવામાં આવી રહ્યો છે અને આપવામાં આવશે. શરીફે કહ્યું કે પાકિસ્તાની સેના ‘દુશ્મન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સારી રીતે જાણે છે.'
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે સવારે ભારતના હુમલા પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે કહ્યું કે ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા પાકિસ્તાન અધિકળત કાશ્મીર અને પૂર્વ પંજાબ પ્રાંતમાં થયા છે. પંજાબના બહાવલપુર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલા પંજાબના મુરીદકે અને પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં થયા છે.
ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઓછામાં ઓછા નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતે કહ્યું છે કે આ તે ઠેકાણા હતા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હુમલામાં કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ભારતે લક્ષ્યોની પસંદગી અને કામગીરીની રીતમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
