<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ઓપરેશન સિંદૂરને ભારતીય શેરબજારની સલામી : નિફ્ટી અને સેન્સેક્સ જોરદાર ઉછાળા સાથે થયા બંધ

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી : ઓટો, રિયલ્ટી અને મેટલ શેરોમાં તેજી : નિફ્ટી ૨૪,૪૦૦ની સપાટી જાળવવામાં સફળ

મુંબઈ: ભારતીય શેરબજારે બુધવારે જોરદાર રિકવરી નોંધાવીને લીલા નિશાન સાથે બંધ થયું. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ના સમાચાર બાદ બજારમાં આ તેજી જોવા મળી હતી.
બુધવારે દિવસભરના કારોબારના અંતે સેન્સેક્સ ૧૦૬ પોઈન્ટના વધારા સાથે ૮૦,૭૪૭ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૫ પોઈન્ટ વધીને ૨૪,૪૧૪ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્કે પણ ૩૪૦ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને ૫૪,૬૧૧ના સ્તરે બંધ થયો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૨ ટકા વધીને બંધ થયો હતો.
સેક્ટોરલ મોરચે ઓટો, રિયલ્ટી અને મેટલ શેરોમાં ખરીદીનું વાતાવરણ રહ્યું હતું. પીએસઈ, બેન્કિંગ અને એનર્જી ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા હતા. જોકે, એફએમસીજી અને ફાર્મા શેરો પર થોડું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી ૨૪,૪૦૦ના મહત્વના સ્તરને જાળવવામાં સફળ રહ્યો હતો. બુધવારે બે શેરોમાં ઘટાડા સામે ત્રણ શેરોમાં તેજી જોવા મળી હતી.
આજના ટ્રેડિંગ સેશનમાં પેટીએમ, બીઈએલ અને બીએસઈના શેરો તેમના પરિણામો બાદ ૬ ટકા સુધી વધ્યા હતા. પોલિકેબના શેર મિશ્ર વલણ બાદ ઉપલા સ્તરેથી નીચે આવીને બંધ થયા હતા. ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) બાદ ટાટા મોટર્સના શેરમાં ૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીને તેના સીવી ડિમર્જર માટે શેરહોલ્ડર્સની મંજૂરી પણ મળી ગઈ છે. અન્ય ઓટો સ્ટોક્સમાં પણ સારી તેજી જોવા મળી હતી, જેમાં સંવર્ધન મોથરસનના શેરમાં ૫ ટકાનો વધારો નોંધાયો હતો.
જોકે, ડિફેન્સ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મઝાગોન ડોકના શેરમાં ૫ ટકાની તેજી રહી હતી. એમઆરએફ ૪ ટકા વધીને બંધ થયો હતો. હુડકોના શેર પરિણામો બાદ ઉપલા સ્તરેથી ૪ ટકા સુધી ગગડ્યા હતા. કાર્ટ્રેડનો શેર પણ ૧૦ ટકા તૂટીને બંધ થયો હતો. યુકે-એફટીએ ફાઈનલાઈઝ થયા બાદ રેડિકો ખેતાન અને સોમ ડિસ્ટિલરીઝના શેરમાં ૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારત સીટ્સનો શેર ૨૦ ટકાના વધારા સાથે બંધ થયો હતો, કારણ કે કંપનીની આવક અને નફામાં વૃદ્ધિ જોવા મળી હતી.
આમ, ઓપરેશન સિંદૂરની સફળતાની અસર બજાર પર સકારાત્મક જોવા મળી હતી અને મોટાભાગના સેક્ટર્સમાં તેજી નોંધાઈ હતી.

 

(4:45 PM IST)