તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
News of Wednesday, 7th May 2025
ઓપરેશન સિંદૂર એ ભારતને પડકાર ફેંકનારાઓને જડબાતોડ જવાબ છે : ગૃહમંત્રી શાહ
પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા બાદ ગૃહમંત્રીનું નિવેદન : તમામ રાજ્યોને મોકડ્રિલ માટે તૈયાર રહેવા આદેશ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે "ઓપરેશન સિંદૂર" એ નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિને સમગ્ર વિશ્વ સમક્ષ દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ ભારતની સરહદો, સેના અને નાગરિકોને પડકારવાની હિંમત કરશે તેને આ જડબાતોડ જવાબ છે.
ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળ સાથે સરહદ ધરાવતા રાજ્યોના લેફ્ટનન્ટ ગવર્નરો અને મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીમાં યોજાયેલી સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે રાજ્યોને મોકડ્રિલ માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર તૈયારીઓ કરવા જણાવ્યું હતું. તેમણે રાજ્યોને SDRF, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ, એનસીસી અને અન્ય દળોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ રહેવા જણાવ્યું હતું. વધુમાં, નાગરિકો અને બિન-સરકારી સંગઠનો દ્વારા જાહેર ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર રાષ્ટ્રવિરોધી પ્રચાર પર સખત નજર રાખવા અને રાજ્ય સરકારો અને કેન્દ્રીય એજન્સીઓના સંકલનથી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
અમિત શાહે કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાના ગુનેગારો અને સમર્થકોને જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યું હતું. ઓપરેશન સિંદૂર એ તે દિશામાં લેવામાં આવેલું પગલું છે.
આજ વહેલી સવારે લગભગ ૧ વાગ્યે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને ૯ જગ્યાએ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને જવાબી કાર્યવાહી માટે છૂટો દોર આપ્યો હતો. ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાના મુખ્યાલયો અને અન્ય કેમ્પોને નિશાન બનાવ્યા હતા.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
