News of Friday, 9th May 2025
જમ્મુ-કાશ્મીર સરહદ પર ભીષ્મ ક્યુબ્સ તૈનાત એક સાથે 200 ઘાયલોની સારવાર કરી શકે
ભારત સરકારના આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ વિકસાવેલ ભીષ્મ ક્યુબ્સ, એક સાથે 200 ઘાયલ લોકોની સારવાર કરી શકે તેવી મોબાઇલ હોસ્પિટલો છે,કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે જમ્મુ અને કાશ્મીર સરહદ પર તૈનાત કરાઈ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં કટોકટીની તબીબી સુવિધાઓ માટે ભીષ્મ ક્યુબ્સ તૈનાત કરવામાં આવી રહ્યા છે.
ભારત સરકારના આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ કટોકટી તબીબી સેવાઓને મજબૂત બનાવવા માટે તૈયાર કરાયેલા ભીષ્મ ક્યુબ્સને હવે જમ્મુ અને કાશ્મીર સરહદ પર તૈનાત કરવા માટે મોકલવામાં આવ્યા છે. આ ક્યુબ્સ એક પ્રકારની મોબાઇલ હોસ્પિટલો છે જે કોઈપણ આપત્તિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ છે.
ભીષ્મ ક્યુબ્સ ખાસ કરીને 200 ઘાયલ દર્દીઓની સારવાર માટે બનાવવામાં આવ્યા છે. લગભગ 200 પ્રકારની ઇજાઓની સારવાર કરી શકાય છે, જેમાં ગોળીબારના ઘા, દાઝી જવા, માથા, છાતી, કરોડરજ્જુ અને પેટની ગંભીર ઇજાઓનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલો અત્યાધુનિક સાધનોથી સજ્જ છે જે ઝડપી પ્રતિભાવ અને વ્યાપક સંભાળ સુનિશ્ચિત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ, ભારત ફક્ત પોતાના દેશમાં જ નહીં પરંતુ કુદરતી આફતોથી પ્રભાવિત દેશોને પણ જરૂરી તબીબી સહાય અને દવાઓ પૂરી પાડી રહ્યું છે. ભીષ્મ ક્યુબ્સ આ પહેલનો એક ભાગ છે જે હવે દેશના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે.
HLL લાઇફકેર લિમિટેડને BHISHM ક્યુબ્સની ખરીદી અને જમાવટની જવાબદારી સોંપવામાં આવી છે. HLL ટીમે સંબંધિત તબીબી સંસ્થાઓના 300-400 ડોકટરોને ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ આપી છે જેથી તેઓ કટોકટીની સ્થિતિમાં આ પોર્ટેબલ હોસ્પિટલોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. આ ભીષ્મ ક્યુબ્સ હવે સરહદી વિસ્તારોમાં આરોગ્ય મંદિર મોડ્યુલર ઇમરજન્સી હોસ્પિટલ તરીકે તૈનાત કરવામાં આવશે, જ્યાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર પૂરી પાડી શકાય છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
