<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પુંછ અને ઉરીમાં પાકિસ્તાની સેનાએ ફરી ગોળીબારી શરૂ કરી : ખીણમાં સાયરનના ગુંજારવથી ભયનો માહોલ

પુંછમાં ૧૧ કલાકની શાંતિ બાદ ફરી તોપમારો શરૂ, રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા નાગરિકોમાં ભય : ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ૧૧ કલાકની શાંતિ બાદ પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ગોળીબારી શરૂ કરી છે. મળતા અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ પુંછની સાથે સાથે ઉરી સેક્ટરમાં પણ ગોળીબાર શરૂ કર્યો છે. પાકિસ્તાની ગોળીબાર શરૂ થતાની સાથે જ સમગ્ર ખીણમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને સાયરનના અવાજો ગુંજવા લાગ્યા હતા. પુંછના દિગવાર અને કરમાડા સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા ભારે ગોળીબારી કરવામાં આવી રહી છે. નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાની સેના દ્વારા સતત કરવામાં આવી રહેલા ગોળીબારમાં પુંછના અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોના ઘરો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ૮-૯ મે ૨૦૨૫ની રાત્રિ દરમિયાન થયેલી ગોળીબારીમાં પોલીસ લાઇન પુંછ પણ હુમલાની ઝપેટમાં આવી ગયું હતું. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સરહદ નજીક રહેતા નાગરિકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં જ એક સીસીટીવી ફૂટેજમાં પાકિસ્તાની ગોળીબારીના પુરાવા મળ્યા છે, જે પુંછના એક ઘરથી પ્રાપ્ત થયા છે.
પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. પુંછ અને આસપાસના વિસ્તારોમાં ગોળીબારી અને તણાવના કારણે સાયરનના અવાજો સંભળાઈ રહ્યા છે. વિદેશ મંત્રાલય અને ભારતીય સેનાની સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને પુંછ, તંગધાર, ઉરી, મેંઢર, રાજૌરી, અખનૂર અને ઉધમપુરમાં ભારે હથિયારો અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને પુંછમાં એક ગુરુદ્વારા પર પણ હુમલો કર્યો હતો, જેની ભારતે સખત નિંદા કરી છે. ભારતીય સેના દ્વારા પણ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

 

(8:03 PM IST)