News of Friday, 9th May 2025
ભારત-પાકિસ્તાન સંઘર્ષ ખતમ કરવા અમેરિકાના પ્રયાસો : રાષ્ટ્રપતિ ટ્રમ્પ જલદી તણાવ ઓછો કરવા ઈચ્છે છે : વિદેશ મંત્રી અને NSA માર્કો રુબિયો મધ્યસ્થી માટે સક્રિય
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે કહ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે : પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી અને ડ્રોન હુમલાઓ છતાં શાંતિ સ્થાપવાની કોશિશ ચાલુ

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે અમેરિકાએ પોતાના પ્રયાસો તેજ કર્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે બંને દેશો વચ્ચેનો તણાવ જલદીથી જલદી ઓછો થાય. તેમણે આ સંબંધમાં વિદેશ મંત્રી માર્કો રુબિયોના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેરોલિન લેવિટે ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં અમેરિકાની મધ્યસ્થીની કોશિશો અંગે વાત કરતાં કહ્યું કે, "આમાં વિદેશ મંત્રી અને હવે અમારા NSA માર્કો રુબિયો પણ સામેલ છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે આ તણાવ જલદીથી જલદી ઓછો થાય. તેઓ સમજે છે કે આ બંને દેશો દાયકાઓથી એકબીજા સાથે મતભેદ ધરાવે છે. જો કે, તેમના બંને દેશોના નેતાઓ સાથે સારા સંબંધો છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને આ સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતું સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાને સતત બીજા દિવસે જમ્મુ, સાંબા, રાજૌરી, પઠાણકોટ, કચ્છ, ફિરોઝપુર સહિત અનેક શહેરોમાં પોતાના ડ્રોન મોકલ્યા હતા, જેને ભારતીય એર ડિફેન્સે આકાશમાં જ તોડી પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે પાકિસ્તાની સેનાએ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ૧૫ ભારતીય શહેરો પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે બરાક-૮ મિસાઇલો, એસ-૪૦૦ ટ્રાયમ્ફ વાયુ સંરક્ષણ પ્રણાલીઓ, આકાશ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલો અને સ્વદેશી રીતે વિકસિત ડ્રોન વિરોધી ઉપકરણો તૈનાત કર્યા છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
