<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

રાજસ્‍થાનના સરહદી જિલ્લાઓમાં રેડ એલર્ટઃ બજારો બંધઃ લોકોને ઘરમાં રહેવાની સલાહ

રાજસ્‍થાનના ૫ સરહદી જિલ્લાઓને ખાસ વોચ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે, શ્રીગંગાનગરના કેટલાક વિસ્‍તારોમાં વીજળી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્‍યો છે : જેસલમેરમાં બજારો બંધ, ઘરમાં રહેવાની અપીલઃ બાડમેરમાં રેડ એલર્ટ, લોકડાઉન જેવી સ્‍થિતિ

જયપુર/બાડમેર/જેસલમેર/શ્રી ગંગાનગર, હનુમાનગઢ, તા.૧૦: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ સતત વધી રહ્યો છે. રાજસ્‍થાનના સરહદી જિલ્લાઓમાં તેની અસર સ્‍પષ્ટપણે દેખાય છે. આજે રાજ્‍યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. સરહદી શહેરોમાં બજારો બંધ કરી દેવામાં આવ્‍યા છે. લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધ જેવી સ્‍થિતિ વિકસી રહી છે. રાજસ્‍થાનના સરહદી જિલ્લાઓમાં પણ આવી જ સ્‍થિતિ છે. ભારત-પાકિસ્‍તાન સરહદે આવેલા રાજ્‍યના હનુમાનગઢ, શ્રીગંગાનગર અને બિકાનેર (માત્ર નાળ વિસ્‍તારમાં) જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે, જેના કારણે જિલ્લા કલેક્‍ટરોએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.

રાજસ્‍થાનના ૫ સરહદી જિલ્લાઓને ખાસ વોચ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં બાડમેર, જેસલમેર, જોધપુર, બીકાનેર અને શ્રી ગંગાનગર જિલ્લાનો સમાવેશ થાય છે. શ્રીગંગાનગર અને બિકાનેર નાળ વિસ્‍તારના મુખ્‍ય બજારો બંધ છે. શ્રીગંગાનગરના કેટલાક વિસ્‍તારોમાં વીજળી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્‍યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ બિકાનેર, કિશનગઢ (અજમેર), જેસલમેર, ઉત્તરલાઈ (બાડમેર) અને જોધપુર એરપોર્ટ ૧૪ મે સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. અગાઉ આ એરપોર્ટ ૧૦ મે સુધી બંધ હતા.

સરહદને અડીને આવેલા રાજસ્‍થાનના જેસલમેર જિલ્લામાં પાકિસ્‍તાન દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. જેને ભારતીય સેના નિષ્‍ફળ બનાવી રહી છે. શુક્રવારે પાકિસ્‍તાનના હુમલા વચ્‍ચે શહેરમાં આખી રાત અંધારપટ છવાઈ ગયો હતો. પોખરણમાં પાકિસ્‍તાની ડ્રોનનો કાટમાળ પણ મળી આવ્‍યો છે. ગઈકાલે સાંજે લગભગ પાંચ વાગ્‍યે અહીંના બજારો બંધ થઈ ગયા હતા. તે જ સમયે, આજે શનિવારે, જેસલમેર એલર્ટ પર છે. સરહદી વિસ્‍તારોમાં ડ્રોન હુમલાની શકયતાને ધ્‍યાનમાં રાખીને, જેસલમેરના કલેક્‍ટર પ્રતાપ સિંહની સૂચના પર બજારો બંધ કરી દેવામાં આવ્‍યા છે. તમામ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. કલેક્‍ટરે લોકોને કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

પાકિસ્‍તાન તરફથી હુમલાની શકયતાને ધ્‍યાનમાં રાખીને બાડમેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. બજારો બંધ કરી દેવામાં આવ્‍યા છે. લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્‍યું છે. સામાન્‍ય જનતાને તાત્‍કાલિક પોતાના ઘરે જવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. શનિવારે સવારે પાકિસ્‍તાન દ્વારા હુમલા કરવામાં આવ્‍યા હતા જેને નિષ્‍ફળ બનાવવામાં આવ્‍યા હતા. આ પહેલા શુક્રવારે રાત્રે પણ પાકિસ્‍તાન દ્વારા હુમલા કરવામાં આવ્‍યા હતા, જેને સેનાએ નિષ્‍ફળ બનાવ્‍યા હતા. સાયરન વાગતા રહ્યા અને આખી રાત શહેરમાં અંધારપટ છવાઈ ગયો. શહેરના બલદેવ નગર વિસ્‍તારમાં બોમ્‍બ જેવી શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.રાજસ્‍થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. અહીં પણ પાકિસ્‍તાન તરફથી હુમલાનો ભય વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્‍ટરે લોકોને પોતાના ઘરમાં રહેવા અપીલ કરી છે. પોલીસ રસ્‍તાઓ પર આવી રહી છે અને લોકોને ઘરે મોકલી રહી છે. જિલ્લાનું મુખ્‍ય બજાર બંધ કરી દેવામાં આવ્‍યું છે. શુક્રવારે રાત્રે શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વારંવાર સાયરન વાગતા રહ્યા. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું, વર્તમાન સંદર્ભમાં અફવાઓ પર ધ્‍યાન ન આપો. ભારતીય સશષા દળો કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ભ્રામક માહિતી અને અફવાઓને અવગણો. કોઈપણ પ્રકારનો ગભરાટ ન રાખો. સાવધાન રહો, સતર્ક રહો, જાગળત રહો. શનિવારે સવારે લગભગ ૧૦:૩૦ વાગ્‍યા સુધી હનુમાનગઢ જિલ્લો રેડ એલર્ટ પર હતો. અહીં, પાકિસ્‍તાન તરફથી હુમલાની શકયતાનો ભય હતો. પરંતુ હવે જિલ્લામાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જિલ્લા કલેક્‍ટર કાના રામે લોકોને અપીલ કરી છે કે જો તેઓ કોઈપણ શંકાસ્‍પદ અથવા દાવો ન કરાયેલી વસ્‍તુઓ, હથિયારોના ટુકડા વગેરે જુએ તો તાત્‍કાલિક જિલ્લા વહીવટીતંત્રને (૦૧૫૫૨-૨૬૦૨૯૯ પર) જાણ કરે. તેમણે કહ્યું કે લોકોએ કોઈપણ શંકાસ્‍પદ વસ્‍તુની નજીક ન જવું જોઈએ. ભીડ એકઠી ન કરો અને અફવાઓથી દૂર રહો. (રર.૧૮)

(3:31 PM IST)