<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જામનગરમાં રાત્રિ કર્ફ્યુની જેમ બ્લેકઆઉટ : ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતાં કલેક્ટર કેતન ઠક્કરનો મહત્વપૂર્ણ નિર્ણય : જુઓ વિડિયો

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં આજે રાત્રે ૮ થી આવતીકાલ સવાર સુધી વીજ પુરવઠો સંપૂર્ણ બંધ : જનરેટર અને ઇન્વર્ટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ

જામનગર, તા. ૧૦ મે: પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તંગ અને સંવેદનશીલ માહોલને ધ્યાનમાં લેતા, જામનગર જિલ્લા વહીવટી તંત્રએ એક મોટું પગલું ભર્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આજે તા. ૧૦મી મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮:૦૦ કલાકથી લઈને આવતીકાલ તા. ૧૧મી મે, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જામનગર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કર્યું છે. આ નિર્ણય સરહદીય પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાની સુરક્ષા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.
કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, આ સમયગાળા દરમિયાન જામનગર જિલ્લાના તમામ રહેણાંક વિસ્તારો, નાના-મોટા ઔદ્યોગિક એકમો તેમજ અન્ય તમામ પ્રકારની કોમર્શિયલ અને સરકારી ઇમારતોમાં વીજળીથી ચાલતા તમામ ઉપકરણો ફરજિયાતપણે બંધ રાખવાના રહેશે. એટલું જ નહીં, કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો છે કે આ સમય દરમિયાન જનરેટર સેટ અને ઇન્વર્ટર જેવા બેકઅપ પાવર સપ્લાયના સાધનોનો પણ ઉપયોગ કોઈપણ ભોગે કરવામાં આવશે નહીં, કારણ કે તેનાથી પ્રકાશ ફેલાઈ શકે છે અને સુરક્ષાના કારણોસર તે યોગ્ય નથી.
જિલ્લા કલેક્ટર શ્રી ઠક્કરે જામનગરના તમામ સમજદાર નાગરિકોને આ બ્લેકઆઉટના આદેશનું ગંભીરતાથી પાલન કરવા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમય સમય પર આપવામાં આવતી અન્ય સૂચનાઓનું પણ ચુસ્તપણે પાલન કરવા માટે ભાવભર્યો અનુરોધ કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જામનગરના લોકો દેશની સુરક્ષાને સર્વોપરી ગણીને આ કપરા સમયમાં વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપશે અને શાંતિ તથા સલામતી જાળવવામાં મદદરૂપ થશે. આ પગલું જિલ્લાની સંભવિત જોખમોથી સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે.

 

(4:32 PM IST)