<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

મીડિયા શું પ્રકાશિત કરે અને શું નહીં તે કહેવાનું કામ કોર્ટનું નથીઃ સુપ્રીમ

વિકિપીડિયાનું ANI સંબંધિત એક પેજ દૂર કરવાનો દિલ્‍હી HCનો આદેશ રદ કર્યો

 

 

નવી દિલ્‍હી તા.૧૨: વિકિમીડિયા ફાઉન્‍ડેશન સામે એશિયન ન્‍યૂઝ ઈન્‍ટરનેશનલ (ANI)ના બદનક્ષી કેસમાં દિલ્‍હી હાઇકોર્ટના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્‍યું હતું કે મીડિયાને શું પ્રકાશિત કરવું અને શું દૂર કરવું તે કહેવાનું કામ કોર્ટનું નથી. આ બદનક્ષી કેસમાં દિલ્‍હી હાઇકોર્ટે વિકિપીડિયાનું એએનઆઇ સંબંધિત એક પેજ દૂર કરવાનો આદેશ આપ્‍યો હતો.

ન્‍યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે મીડિયાની સ્‍વતંત્રતા અને મુક્‍ત ન્‍યાયના સિદ્ધાંતને દોહરાવતા જણાવ્‍યું હતું કે લોકશાહીના વિકાસ માટે ન્‍યાયતંત્ર અને પ્રેસ એકબીજાના પૂરક હોવા જોઈએ. જાહેર સંસ્‍થાઓ તરીકે અદાલતોએ જાહેર ચકાસણી, અવલોકન અને ચર્ચા માટે ખુલ્લુ મન રાખવું જોઈએ. કોર્ટોની વિચારણાને આધિન કોઇ મુદ્દાની પણ જાહેર ચર્ચા થઈ શકે છે અને તેના પર રીર્પોટિંગ કરી શકાય છે.

સર્વોચ્‍ચ અદાલતે વધુમાં જણાવ્‍યું હતું કે અદાલતોએ ચર્ચાઓ અને રચનાત્‍મક ટીકાઓનું સ્‍વાગત કરવું જોઈએ. દરેક મહત્‍વપૂર્ણ મુદ્દાની લોકો અને પ્રેસમાં ચર્ચા થવી જોઈએ, પછી ભલે ચર્ચાનો મુદ્દો કોર્ટ સમક્ષ કાર્યવાહીનો વિષય હોય. જોકે ટીકા કરનારાઓએ યાદ રાખવું જોઈએ કે ન્‍યાયાધીશો આવી ટીકાનો જવાબ આપી શકતા નથી. જો કોઈ પબ્‍લિકેશન કોર્ટ અથવા ન્‍યાયાધીશોને બદનામ કરે છે અને જો તિરસ્‍કારનો કેસ બને છે, તો ચોક્કસપણે કોર્ટે પગલાં લેવા જોઈએ. પરંતુ કોર્ટની ફરજ એ નથી કે તે મીડિયાને કોઇ પેજ ડિલીટ કરવાનું કહે કે તેને હટાવી દેવાનું કહે. ન્‍યાયતંત્ર સહિત કોઈપણ સિસ્‍ટમના સુધારા માટે આત્‍મનિરીક્ષણ ચાવીરૂપ છે.(૩૮.૫)

 

(9:32 AM IST)