News of Monday, 12th May 2025
‘નો મીન્સ નો' બોમ્બે હાઇકોર્ટનો ગેન્ગ રેપના આરોપીઓની સજા રદ કરવા ઇન્કાર
આજીવન કેદ પામેલા ૩ આરોપીની સજા ઘટાડી ૨૦ વર્ષની કરાઈ

મુંબઇ તા.૧૨: ‘પિંક' ફિલ્મના અત્યંત લોકપ્રિય સંવાદ ‘નો મીન્સ નો'ને ટાંકીને બોમ્બે હાઇકોર્ટે ગેંગરેપના ત્રણ આરોપીની સજાને બહાલ રાખતો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે જ્યારે એક મહિલા ‘ના' કહે તો તેનો મતલબ ‘ના' જ હોય છે. તેની ભૂતકાળની સેક્સ્યુઅલ પ્રવળત્તિના આધારે તેની સંમતિ હોવાની ધારણા બાંધી શકાય નહીં. જસ્ટિસ નિતિન સુર્યવંશી અને જસ્ટિસ એન ચંદવાણીની ખંડપીઠે પીડિતાની નૈતિકતા ઉપર સવાલ ઉઠાવવાના ગુનેગારોના પ્રયત્નને ફગાવી કાઢયો હતો.
કોર્ટે કહ્યું કેસ્ત્રીની સંમતિ વિના જાતીય સંભોગ એ તેના શરીર, મન અને નિજતા પર પ્રહાર છે. કોર્ટે બળાત્કારને સમાજનો નૈતિકતા અને શારીરિક રીતે થતો સૌથી નિંદનીય ગુનો ગણાવ્યો હતો. ખંડપીઠે આરોપીઓને ફટકારેલી સજાને પડકારતી અરજીમાં રાહતનો ઇનકાર કર્યો હતો પરંતુ આજીવન જેલની સજાને ૨૦ વર્ષની કેદની સજામાં ફેરવી કાઢી છે. આરોપીઓએ તેમની અપીલમાં એવો દાવો કર્યો હતો કે પીડિત મહિલા શરૂઆતમાં એક પુરુષ સાથે સંબંધમાં હતી અને ત્યારબાદ તે અન્ય પુરુષ સાથે પણ લીવ-ઇન રિલેશનશીપમાં આવી હતી. નવેમ્બર ૨૦૧૪માં આરોપીઓ પીડિતાના ઘરમાં ઘુસ્યા હતા અને તેના લિવ-ઇન પાર્ટનરને મારીને પીડિતાને નજીકના નિર્જન સ્થળે લઇ ગયા હતા અને તેની સાથે ગેંગ રેપ કર્યો હતો.
ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે જો કોઈસ્ત્રી અલગ રહેતી હોય અને તેના પતિથી છૂટાછેડા લીધા વિના બીજા પુરુષ સાથે રહેતી હોય, તો પણ કોઈ વ્યક્તિ તેની સંમતિ વિના સંભોગ માટે દબાણ કરી શકે નહીં. પીડિતા અને દોષિતોમાંથી એક ભૂતકાળમાં સંબંધમાં હોવા છતાં, જો તે તેની અને અન્ય આરોપી સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર ન હોય તો તેની સંમતિ વિના કોઈપણ પ્રકારનું શારીરિક કળત્ય બળાત્કાર ગણાય.
ખંડપીઠે ચુકાદામાં એમ પણ કહ્યું છે કે,‘જો મહિલાએ કોઇ એક વખત કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ આપી હોય તો એનો અર્થ એવો નથી કે બીજી વખત માટે પણ શારીરિક સંબંધ માટેની સંમતિ આપે છે. એક મહિલાના કેટલા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ છે, એ તેના ચારિત્ર્ય કે નૈતિકતા સાથે સંબંધિત નથી.'
અંતમાં હાઇકોર્ટે ચુકાદામાં અવલોકન કર્યું છે કે,‘બળાત્કારને ફક્ત જાતીય ગુના તરીકે ગણી શકાય નહીં પરંતુ તેને આક્રમકતા સાથે સંકળાયેલા ગુના તરીકે જોવો જોઈએ. તે મહિલાની નીજતાના અધિકારનું ઉલ્લંઘન છે. બળાત્કાર એ નૈતિક અને શારીરિક રીતે સમાજનો સૌથી નિંદનીય ગુનો છે, કારણ કે તે પીડિતાના શરીર, મન અને નીજતા પર હુમલો કરે છે.'(૩૮.૪)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
