News of Monday, 12th May 2025
ભારતને રોકો...ટ્રમ્પનાં પગે પડી ગયું હતું પાકિસ્તાન
યુધ્ધવિરામ અંગે પાકિસ્તાનના પત્રકારનો ધડાકો

ઈસ્લામાબાદ,તા.૧૨: અમેરિકા સ્થિત પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર મોટો દાવો કર્યો છે. નૂરાની કહે છે કે પાકિસ્તાને અમેરિકાની ખુશામત કરીને આ યુદ્ધવિરામ કરાવ્યો છે. પોતાના વીડિયોમાં નૂરાનીએ કહ્યું કે પાકિસ્તાનની હાલત જુઓ કે તે અમેરિકાને પણ કહી શકયું નહીં કે સિંધુ જળ સંધિ પર ચર્ચા થવી જોઈએ. પાકિસ્તાનીઓ ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ પાસે દોડી ગયા અને તેમને આ લડાઈ બંધ કરવાનું કહ્યું અને યુદ્ધવિરામ થતાં જ તેઓ ખુશીથી પાછા ફરી ગયા. અહેમદ નૂરાનીએ કહ્યું કે આ ઘટના પાકિસ્તાનની નબળાઈ દર્શાવે છે. દેશે નબળાઈ સ્વીકારવી લેવી જોઈએ.
પાકિસ્તાન દ્વારા અમેરિકાને યુદ્ધવિરામની વિનંતી અંગે ખુલાસો કરવા ઉપરાંત, નૂરાનીએ એમ પણ કહ્યું કે સિંધુ સંધિ પર પાકિસ્તાનનું વલણ નબળું દેખાય છે. તેમણે કહ્યું કે ભારતે જળ સંધિ (IWT) સસ્પેન્ડ કરી દીધી છે અને પાકિસ્તાન સરકાર અને સેના કંઈ કરી શકી નથી. એવું લાગતું નથી કે ભવિષ્યમાં પણ તે આ મુદ્દા પર કંઈ કરી શકશે. અહેમદ નૂરાની એક જાણીતા ખોજી પત્રકાર છે. તેમણે આસીમ મુનીર, ઇમરાન ખાન અને પાકિસ્તાનના ઘણા મોટા નેતાઓ પર ખુલાસાઓ કર્યા છે. તે હાલમાં અમેરિકામાં દેશનિકાલમાં જીવી રહ્યા છે.
પાકિસ્તાની સેનાનું જુઠ્ઠાણું સામે આવ્યું
નૂરાનીના ખુલાસાઓથી યુદ્ધવિરામ અંગે પાકિસ્તાન સેનાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો છે. પાકિસ્તાની સેનાના જનરલ અહેમદ શરીફ ચૌધરીએ રવિવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી ન હતી પરંતુ વિનંતી તેમની પાસે આવી હતી અને તેને સ્વીકારવામાં આવી હતી. હવે નૂરાનીએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાને યુદ્ધવિરામ માટે અમેરિકાનો સંપર્ક કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા તોપમારા અને હવાઈ હુમલા બાદ ૧૦ મેના રોજ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. ૬ મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવીને મિસાઇલો છોડ્યા ત્યારે બંને વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ભારતે ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
ભારતના હુમલા બાદ પાકિસ્તાને પણ બદલો લેવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાને સરહદ પર ભારે ગોળીબાર કર્યો, નાગરિકોને નિશાન બનાવ્યા અને ઘરોનો નાશ કર્યો. તેમણે ડ્રોન હુમલા દ્વારા ભારતને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો. પાકિસ્તાની સેનાએ પણ ફતેહ મિસાઇલથી ભારત પર હુમલો કર્યો હતો, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.(૪૦.૯)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
