News of Monday, 12th May 2025
ઉત્તરાખંડમાં રાહત : કેદારનાથ યાત્રા માર્ગ પર ઘોડા અને ખચ્ચર સેવાઓ ફરી શરૂ : ઇક્વિન ઇન્ફ્લુએન્ઝાનો ભય ટળ્યો
પશુચિકિત્સા તપાસમાં ૧,૭૦૯ પ્રાણીઓ સ્વસ્થ જાહેર : યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો : પશુપાલકોમાં ઉત્સાહનો સંચાર

કેદારનાથ : ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડથી ઘોડા અને ખચ્ચર સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. અગાઉ ઇક્વિન ઇન્ફ્લુએન્ઝાના ભયને કારણે આ સેવાઓને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી, જેના કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, પશુચિકિત્સા વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ કુલ ૧,૭૦૯ પ્રાણીઓને મુસાફરી માટે તંદુરસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેને પગલે આ સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવી છે.
યાત્રા માર્ગ પર મહત્વપૂર્ણ સ્થળોએ તબીબી ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેમણે પ્રાણીઓ અને તેમના સંચાલકોની ઓળખની ખરાઈ કરી હતી. સેવાઓ ફરી શરૂ થતાં જ યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે પશુપાલકો પણ પોતાના રોજગાર ફરી શરૂ થવાથી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. મુખ્ય પશુચિકિત્સા અધિકારી ડો. આશિષ રાવતના જણાવ્યા અનુસાર, હવે આ ચેપ ઝડપથી ઓસરી રહ્યો છે અને અસરગ્રસ્ત પ્રાણીઓની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાક્રમે કેદારનાથ યાત્રા કરી રહેલા લોકો માટે મોટી રાહત લાવી છે અને પશુપાલકોના જીવનમાં ફરીથી આશાનો સંચાર થયો છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
