<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વગર ATM તોડે ચોરે રૂ.૧૦,૦૦,૦૦૦ ઉપાડી દીધાઃ પોલીસ ઉંધામાથે

આવું કેવી રીતે થઇ ગયું? આવો કિસ્‍સો પહેલી વાર પ્રકાશમાં આવ્‍યો

ગુરુગ્રામ, તા.૧૨: ગુરુગ્રામના સેક્‍ટર-૩૪માં રિકો ઓટો ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે સ્‍થિત એક ATMમાંથી ૧૦ લાખ રૂપિયાની ચોરી થવાનો મામલો સામે આવ્‍યો છે. નવાઈની વાત એ છે કે એટીએમ ન તો ઉખડી ગયું કે ન તો તૂટયું. આ પહેલી વાર છે જ્‍યારે કોઇએ આ રીતે એટીએમમાં ચોરીને અંજામ આપ્‍યો હોય.

ગુરુગ્રામમાં દિલ્‍હી-જયપુર હાઇવે પર રિકો ઓટો ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે એક્‍સિસ બેંકનું એટીએમ આવેલું છે. જેમાં બે મશીનો લગાવેલા છે. આ એટીએમનું સંચાલન હિટાચી પેમેન્‍ટ સર્વિસીસ પ્રા.લિ. દ્વારા કરવામાં આવે છે. એટીએમમાં ૧૦ લાખ રૂપિયા હતા. ૩૦ એપ્રિલની રાત્રે, અજાણ્‍યા ચોરો એટીએમ તોડ્‍યા વિના પૈસા ચોરી ગયા.

આરોપ છે કે ચોરોએ આ ATMમાં લગાવેલ DVR, બેટરી અને હાર્ડ ડિસ્‍ક ચોરી લીધા હતા. એટીએમમાંથી પીસી કોર અને ચેસ્‍ટ લોક પણ ગાયબ છે. સદર પોલીસે અજાણ્‍યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે કંપનીના વકીલ ગૌરવ કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શકયો નહીં.

ગુરુગ્રામ પોલીસે આ કંપનીને નોટિસ ફટકારી છે. આમાં, આ ચોરીની ઘટનાને લગતા કેટલાક પ્રશ્‍નોના જવાબો માંગવામાં આવ્‍યા છે. પોલીસને શંકા છે કે જાળવણી ટીમના કોઈ અધિકારી કે કર્મચારી આ ચોરો સાથે મળેલા હોઇ શકે છે. દરેક એટીએમ એક એલાર્મ સાથે જોડાયેલ છે. કોઈપણ સમસ્‍યા તરત જ સ્‍પષ્ટ થઈ જાય છે, પરંતુ આ કિસ્‍સામાં આવું બન્‍યું નથી. રિકો કંપની અને આ એટીએમની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલી વાર છે જ્‍યારે આવો કેસ પોલીસ સમક્ષ આવ્‍યો છે. એટીએમ ખોલવા માટે ચાવીની જરૂર પડે છે અને અંદરનું ડિજિટલ લોક ખોલવા માટે પાસવર્ડની જરૂર પડે છે. આવી સ્‍થિતિમાં, પોલીસ અધિકારીઓ આ કંપનીનું નિવેદન પચાવી શકતા નથી. બીજી મહત્‍વની વાત એ છે કે પૈસા ચોરીની ફરિયાદ ચોરીના ૧૦મા દિવસે નોંધાઈ હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું હેકર્સે આ ATM હેક કરીને આ રકમ ઉપાડી છે. (રર.૧૭)

 

(3:21 PM IST)