<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

મજાક હદ વટાવી જાય છે અને લગ્નની જાન ખાલી હાથે પાછી ફરે

દુલ્‍હનની સહેલીઓએ વરરાજાને ન પૂછવાનો સવાલ પૂછયોઃ એવો જવાબ મળ્‍યો કે લગ્ન બાજુ પર રહી ગયા

 

પ્રયાગરાજ, તા.૧૨: સામાન્‍ય રીતે લગ્નમાં વિવિધ પ્રકારની વિધિઓ હોય છે. આવી જ એક વિધિ છે જૂતા છુપાવવાની. તક શોધીને સાળીઓ તેના જીજાજીના જૂતા ચોરી લે છે. જેના બદલામાં શુગનની માગણી કરે છે. આ સમય દરમિયાન સાળીઓ અને જીજાજી તથા મિત્રો વચ્‍ચે થોડી હળવી મજા થતી હોય છે. આવી સ્‍થિતિમાં જીજાજી અને સાળી બંને એકબીજાને ચીડવવાની તક ગુમાવતા નથી. પરંતુ કયારેક આ મજાક હદ વટાવી જાય છે અને લગ્નની જાન ખાલી હાથે પાછી ફરે છે. આવો જ એક કિસ્‍સો યુપીના પ્રયાગરાજથી સામે આવ્‍યો છે. અહીં વરરાજાએ દુલ્‍હનની સહેલીઓને જવાબ આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી.

શુક્રવારે પ્રયાગરાજના મેજાના અકબર શાહપુર ગામમાં લગ્નની જાન આવી પહોંચી. લગ્ન પક્ષનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું. તેમનું સન્‍માન કર્યા પછી જયમાલાનો વારો આવ્‍યો. વરરાજા જયમાલા માટે સ્‍ટેજ પર પહોંચ્‍યો. આ દરમિયાન કન્‍યાની સહેલીઓ વરરાજા સાથે મજાક શરૂ કરી દીધી. થોડી વાર પછી દુલ્‍હન પણ માળા પહેરાવવા આવી.

સહેલીઓએ મજાકમાં વરરાજાને તેની જન્‍મ તારીખ વિશે પૂછયું. વરરાજાએ પણ ત્‍વરિત જવાબ આપ્‍યો. પણ દુલ્‍હનને જવાબ ગમ્‍યો નહીં. વરરાજાએ પોતાની જન્‍મ તારીખ ૨૦૨૫ જણાવી. પછી શું થયું, આ જવાબથી દુલ્‍હન ગુસ્‍સે થઈ ગઈ. આનાથી ગુસ્‍સે થઈને કન્‍યાએ વરરાજાના ગળામાં માળા પહેરાવવાની ના પાડી. બાદમાં તેને સમજાવવા માટે ઘણા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા પરંતુ તે સંમત ન થઈ અને લગ્નની જાન દુલ્‍હન વગર પાછી ફરી.

દુલ્‍હનના ભાઈએ જણાવ્‍યું કે તે ૭ ભાઈઓમાં એકમાત્ર બહેન છે. બાઇક ઉપરાંત, તેના લગ્નમાં ૧૧ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્‍યા હતા. પરંતુ વરરાજાના વર્તન અને તેના પિતાની સતત દહેજની માંગણીથી કંટાળીને, બહેનના લગ્ન થયા નહીં. એવો આરોપ મૂકવામાં આવ્‍યો હતો કે વરરાજા માનસિક રીતે સ્‍વસ્‍થ ન હતો. તે ન તો મોબાઈલ ફોન ચલાવી શકે છે કે ન તો સાયકલ. જન્‍મ તારીખ પણ કહી શકયા નહીં.

વરરાજા પક્ષ કન્‍યાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારતો રહ્યો. તેણે કન્‍યા પક્ષને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ લગ્ન માટે સંમત ન થયા. વરરાજાના પક્ષના મતે, તેણે મજાકમાં ખોટી જન્‍મ તારીખ આપી હતી. આ પછી વરરાજા અને જાનૈયાઓ નિરાશ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા. (રર.૧૬)

(4:00 PM IST)