News of Monday, 12th May 2025
શેર બજારમાં રોકાણકારોની એક જ દિવસમાં ૪ વર્ષની સૌથી મોટી કમાણી! ૧૬ લાખ કરોડ રૂપિયાનો ફાયદો! સેન્સેક્સ ૨,૯૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૮૨,૪૩૦ ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી ૯૧૭ પોઇન્ટના વધારા સાથે ૨૪,૯૨૫ ના સ્તરે બંધ થયો
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અને વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત તેજી : ૫ ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું માર્કેટ કેપ

મુંબઇ : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ અને વૈશ્વિક સ્તરેથી મળી રહેલા સારા સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં આજે ૩ વર્ષની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી નોંધાઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૪%થી વધુ વધ્યા હતા. બીએસઈના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. આઇટી ઇન્ડેક્સમાં ૫ વર્ષની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. મેટલ, રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક અને ઓટો ઇન્ડેક્સ ૩%થી વધુ વધીને બંધ થયા હતા, જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ પણ લગભગ ૨.૫% વધીને બંધ થયો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ અંગેના નિર્ણય અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને કારણે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા હતા. સોમવારે ૧ શેરની નબળાઈ સામે ૧૦ શેરમાં તેજી જોવા મળી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૧ પછી પહેલીવાર એવું બન્યું છે કે સેન્સેક્સ અને નિફ્ટી એક જ દિવસમાં ૪%ની તેજી સાથે બંધ થયા હોય. આજની તેજી સાથે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૧૬ લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ૫ ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયું છે. આ તેજી સાથે નિફ્ટી અને સેન્સેક્સ હવે ૭ મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયા છે, જે હવે ૨૦૨૫નું પણ સૌથી ઊંચું સ્તર બની ગયું છે.
ટેરિફ અંગેના નિર્ણય બાદ આઇટી અને મેટલ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી આઇટીમાં ૭%થી વધુની તેજી જોવા મળી હતી, જે આ ઇન્ડેક્સ માટે ૫ વર્ષની સૌથી મોટી તેજી છે. નિફ્ટીના ૫૦ શેરમાંથી ૪૮ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જેમાં ૧-૮% સુધીની તેજી જોવા મળી હતી.
કયા સ્તરે બંધ થયું બજાર?
સોમવારે દિવસભરના કામકાજ બાદ સેન્સેક્સ ૨,૯૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૮૨,૪૩૦ ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ૯૧૭ પોઇન્ટના વધારા સાથે ૨૪,૯૨૫ ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ૧,૭૮૮ પોઇન્ટની તેજી સાથે ૫૫,૩૮૩ ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ૨,૧૯૩ પોઇન્ટની તેજી સાથે ૫૫,૪૧૬ ના સ્તરે બંધ થયો હતો.
આજે કયા સ્ટોક્સમાં જોવા મળી એક્શન?
હોટલ અને ટુરિઝમ શેરોમાં મોટી ખરીદી જોવા મળી હતી. ઇન્ડિયન હોટેલ્સ અને ઇન્ડિયાગોમાં ૭-૭%ની તેજી જોવા મળી હતી. નિફ્ટીના સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં ઇન્ફોસીસ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, શ્રીરામ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ, ટ્રેન્ટ અને વિપ્રો ટોચ પર રહ્યા હતા. નિફ્ટીમાંથી માત્ર ઇન્ડસઇન્ડ બેન્ક અને સન ફાર્મા લાલ નિશાનમાં બંધ થયા હતા.
મિડકેપમાંથી આજે બિરલાસોફ્ટ, હિન્દ કોપર, એસ્કોર્ટ્સ, ઓરેકલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, એસજેવીએન, સેઇલ અને એનબીસીસીના શેર સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ રહ્યા હતા. સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને એચએએલ જેવા ડિફેન્સ સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી હતી.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
