News of Monday, 12th May 2025
આઈપીએલ ૨૦૨૫નું રિવાઇઝ્ડ શેડ્યૂલ જાહેર : ટૂર્નામેન્ટ ૧૭ મેથી ફરી શરૂ થશે : ફાઇનલ ૩ જૂને રમાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવને કારણે સ્થગિત થયેલી આઈપીએલ ફરીથી શરૂ થવા માટે તૈયાર : બીસીસીઆઈએ બાકીની મેચોનું નવું સમયપત્રક જાહેર કર્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ૨૦૨૫ના રિવાઇઝ્ડ શેડ્યૂલની આજે જાહેરાત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવેલી આ ટૂર્નામેન્ટ હવે ફરીથી ૧૭ મેથી શરૂ થશે અને ફાઇનલ મેચ ૩ જૂનના રોજ રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આજે આઈપીએલના ૧૮મા સીઝનની બાકી રહેલી મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. સીઝફાયરની જાહેરાત બાદ બીસીસીઆઈએ ટૂર્નામેન્ટનું સુધારેલું સમયપત્રક બહાર પાડ્યું છે.
આ સિઝનમાં ૧૨ લીગ મેચ અને ફાઇનલ સહિત પ્લેઓફની ચાર મેચ બાકી છે. અગાઉ આ ટૂર્નામેન્ટ ૨૫ મેના રોજ સમાપ્ત થવાની હતી. કોલકાતામાં ફાઇનલ મેચ રમાવવાની હતી, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ મેના અંત સુધી ચાલી શકે છે અને ફાઇનલનું સ્થળ પણ બદલાઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૫૮ મેચ રમાઈ ચૂકી છે અને હવે ૧૭ મેચ બાકી છે. વિવિધ આઈપીએલ ટીમોના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોતાના વતન પરત ફર્યા છે, જ્યારે રિકી પોન્ટિંગ અને બ્રેડ હેડિન જેવા કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ કોચિંગ સ્ટાફના ભાગ રૂપે ભારતમાં જ રહ્યા છે. જોકે જસ્ટિન લેંગર અને માઇક હસી જેવા અન્ય કોચ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવને કારણે પરત ફર્યા હતા.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
