News of Monday, 12th May 2025
મુંબઈ હવામાન અપડેટ : આઈએમડી દ્વારા ગાજવીજ સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર
શહેર અને એમએમઆરમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી : થાણે અને રાયગડ માટે બે દિવસનું યલો એલર્ટ

મુંબઈઃ ગત સપ્તાહે ગાજવીજ અને તોફાની પવન સાથે પ્રિ-મોન્સૂન વરસાદ વરસ્યા બાદ, મુંબઈ અને તેના મહાનગરીય પ્રદેશો માટે ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા સોમવારે બપોરે જાહેર કરાયેલા જિલ્લા હવામાન આગાહી અનુસાર, મુંબઈ માટે મંગળવાર, ૧૩ મેના રોજ 'ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે, હળવાથી મધ્યમ વરસાદ અને ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના સાથે યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે થાણે અને રાયગડ જિલ્લાઓ માટે મંગળવાર અને બુધવાર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારે, મુંબઈના સાંતાક્રુઝ વેધશાળાએ લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ અને ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. જ્યારે, કોલાબાએ લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે ૨૬.૮ ડિગ્રી સેલ્સિયસ અને ૩૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. આકાશ મોટે ભાગે વાદળછાયું રહ્યું હતું અને ભેજનું પ્રમાણ વધારે હતું. આઈએમડીના વૈજ્ઞાનિક સુષ્મા નાયરના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોને કારણે પ્રિ-મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે અને વરસાદે તીવ્ર ગરમીથી રાહત અપાવી હોવા છતાં, ભેજનું પ્રમાણ વધારે રહેશે, જે મુંબઈ માટે મોસમી હવામાન છે.
દરમિયાન, મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં આ અઠવાડિયે ભારે પ્રિ-મોન્સૂન વરસાદ જોવા મળવાની સંભાવના છે. આઈએમડીએ પુણે, નાસિક, અહલ્યાનગર, સોલાપુર, સાતારા, કોલ્હાપુર અને બીડ સહિત અન્ય જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. વિદર્ભ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પ્રિ-મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે.
આઈએમડીએ માહિતી આપી છે કે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું (૨૭ મે) આવવાની સંભાવના છે. જો કે, મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ વહેલું ચોમાસું જોવા મળશે કે કેમ તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. આઈએમડી મોન્સૂન ૨૦૨૫ની આગાહીમાં આ વર્ષે 'સામાન્ય કરતાં વધુ' પ્રિ-મોન્સૂન વરસાદ અને ભારે ચોમાસાની આગાહી કરવામાં આવી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
