News of Tuesday, 13th May 2025
ડ્રોન ઘૂસણખોરીના કારણે જમ્મુ, શ્રીનગર સહિત અનેક શહેરોની ફ્લાઇટ્સ ૧૩ મે સુધી રદ : ઇન્ડિગોનો સુરક્ષા કારણોસર નિર્ણય
ઓપરેશન સિંદૂર બાદ ઇન્ડિગોએ ૧૨ મે સુધી ઉડાનો બંધ કરી હતી : જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને રાજકોટ જતી તેની તમામ ફ્લાઇટ્સ ૧૩ મે સુધી રદ કરી દેવામાં આવી : મુસાફરોની સુરક્ષા સર્વોપરી

શ્રીનગર : ઇન્ડિગો એરલાઇન્સે એર સ્પેસમાં ચાલી રહેલી ડ્રોન ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને રાજકોટ જતી તેની તમામ ફ્લાઇટ્સ ૧૩ મે સુધી રદ કરી દેવામાં આવી છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, ઓપરેશન સિંદૂર બાદ ઇન્ડિગોએ ૧૨ મે સુધી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. પરંતુ ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ વધતા હવે અનેક ફ્લાઇટ્સને ૧૩ મે સુધી રદ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ નાગરિક વિમાન સંચાલન માટે ૩૨ એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે આ એરપોર્ટ પર નાગરિક વિમાનોનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરવાનો સમયગાળો શરૂઆતમાં ૧૫ મેની સવારે ૦૫:૨૯ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
પરંતુ, હવે આ એરપોર્ટ નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ રહેશે. ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુસાફરો કૃપા કરીને ધ્યાન આપો! નાગરિક વિમાન સંચાલન માટે કામચલાઉ ધોરણે બંધ કરાયેલા ૩૨ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે."
જો કે, મુસાફરો એરપોર્ટ પર ન પહોંચવાના કારણે અમૃતસર, શ્રીનગર, લેહ સહિત ૧૦ શહેરોની ફ્લાઇટ્સ સોમવારે પણ રદ રહી હતી. હિન્ડન એરપોર્ટથી તમામ શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જે હવે મંગળવારથી શરૂ થશે. હિન્ડન એરપોર્ટથી મંગળવારે માત્ર લુધિયાણા, આદમપુર, બેંગલુરુ, કિશનગઢ અને નાંદેડ માટે ફ્લાઇટ શરૂ થશે. ૭ મેથી બંધ પડેલા અમૃતસર, બઠિંડા અને આદમપુર એરપોર્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફ્લાઇટની સ્થિતિ સીધી એરલાઇન્સ પાસેથી તપાસે અને નિયમિત અપડેટ માટે એરલાઇનની વેબસાઇટ્સ પર નજર રાખે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઇજીઆઇ) એરપોર્ટ પર ઓપરેશન સિંદૂરના કારણે ૧૫ મે સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ સોમવારે તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી હતી.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
