News of Tuesday, 13th May 2025
૨ વર્ષની દીકરીને બાઇક પર બેસાડી પાર્સલ આપવા પહોંચ્યો સ્વિગી બોયઃ આ પિતાની કહાની જાણી આંખમાં પાણી આવી જશે
ડિલિવરી બોયની હિંમતે તો દિલ જીતી લીધું: જ્યારે મજબુરી સાથે હોય તો બેટી પણ બને છે સાથી : મયંક અગ્રવાલ નામના એક શખ્સે લિંક્ડઈન પર એક ડિલિવરી બોયની કહાની શેર કરી, જે ઘણી વાયરલ થઈ રહી છે

નવી દિલ્હી,તા.૧૩: આપણામાંથી ઘણા લોકો રોજબરોજ સ્વિગી કે ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા જમવાનું ઓર્ડર કરતા હોય છે. એવામાં ઘણીવાર ડિલિવરી બોયની સ્ટ્રગલની કહાની આપણા દિલને સ્પર્શી જાય છે. આવી જ એક કહાની હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના વિશે જાણીને તમે પણ ભાવુક થઈ જશો.
મયંક અગ્રવાલ નામના એક શખ્સે લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે સ્વિગીના ડિલિવરી બોય પંકજ અને તેની નાનકડી દીકરી ટુન ટુનની કહાની શેર કરી. આ કહાની એટલી ઈમોશનલ છે કે જે કોઈએ વાંચી, તેની આંખ ભીની થઈ ગઈ.
મયંકે પોસ્ટમાં જણાવ્યું કે, એક દિવસ જ્યારે તેણે સ્વિગી પરથી ફૂડનો ઓર્ડર કર્યો, ત્યારે પંકજ નામનો ડિલિવરી બોય ઓર્ડર લઈને આવ્યો હતો. ઓર્ડર લેવા માટે જ્યારે તે પોતાની બિલ્ડિંગની નીચે આવ્યો, ત્યારે તેણે જોયું કે ડિલિવરી બોયની સાથે બાઈક પર એક નાનકડી બાળકી પણ બેઠેલી હતી. જ્યારે મયંકે પંકજ (ડિલિવરી બોય) સાથે વાત કરી તો તેને જાણવા મળ્યું કે તે પોતાની ૨ વર્ષની બાળકીને ડિલિવરીના સમયે એટલા માટે સાથે લઈ જાય છે કે કારણ કે તેના ઘરે તેનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. બાળકીની માતાનું મળત્યુ ડિલિવરી વખતે જ થઈ ગયું હતું અને તેનો મોટો ભાઈ અભ્યાસ માટે સાંજે ટયુશનમાં જાય છે.
આ વાત સાંભળીને મયંક ઘણો ભાવુક થઈ ગયો અને તેણે લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરી. મયંકે લખ્યું કે, ‘કોઈ ફરિયાદ વગર પંકજ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો છે. તેણે ન તો કોઈની પાસે મદદ માંગી, ન તો પોતાની હાલત પર રોદણા રોયા. કેટલાક લોકો તેને મ્હેણા પણ મારે છે, જેમ કે જો બાળકને સંભાળી નથી શકતો તો ડિલિવરીનું કામ શા માટે કરે છે? પરંતુ પંકજ લોકોની વાતને એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી કાઢી નાખે છે.
જોત જોતામાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું કે, આપણા સમાજે આવા મહેનતું લોકોનને કયારેય યોગ્ય સન્માન આપ્યું નથી. અન્ય એક યુઝરે લખ્યું, તેણે મુસીબતને લઈને રોદણાં રોવાને બદલે તેનો સામનો કરવાનું જરૂરી સમજ્યું.(૪૦.૧૬)
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
