તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 13th May 2025
સાવધાન! પાકિસ્તાનનો આ નંબર ભૂલથી પણ ઉપાડ્યો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો : જાણો કેવી રીતે?
ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું નવું સાયબર યુદ્ધ : +૯૧ થી શરૂ થતા અમુક ખાસ નંબરથી આવતા કોલ્સ ખતરનાક સાબિત થઈ શકે છે

નવી દિલ્હી, તા. ૧૩ મે, ૨૦૨૫ - સરહદ પર શાંતિની વાતો કરતું પાકિસ્તાન હવે ભારત વિરુદ્ધ એક નવું યુદ્ધ છેડી રહ્યું છે – સાયબર યુદ્ધ. તાજેતરના એલર્ટ અનુસાર ભારતમાં ઘણા લોકોને +૯૧ થી શરૂ થતા અમુક ખાસ મોબાઇલ નંબરોથી શંકાસ્પદ કોલ્સ આવી રહ્યા છે જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ કોલ્સ હકીકતમાં નકલી (સ્પૂફ) હોય છે જે દુશ્મન દેશ દ્વારા ભારતીય નાગરિકોની ખાનગી માહિતી ચોરવાના કાવતરાનો ભાગ છે.
સ્પૂફિંગ ટેકનોલોજીથી નંબરોનું જાળું
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર દુશ્મન દેશની સાયબર ટીમ સ્પૂફિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તેનો અર્થ એ છે કે અસલી નંબર છુપાવીને તમને કોઈ બીજો નંબર બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે +૯૧ ૭૩૪૦૯૨૧૭૦૨ જેવા નંબર દેખાઈ શકે છે પરંતુ હકીકતમાં કોલ પાકિસ્તાન અથવા અન્ય દેશોમાંથી આવી રહ્યો હોય છે. સામાન્ય લોકો વિચારે છે કે આ કોઈ ભારતીય નંબર છે અને વાત કરવા લાગે છે પરંતુ અહીંથી જ ખતરો શરૂ થઈ જાય છે.
કોલ ઉપાડતા જ ફોન થઈ શકે છે હેક
સાયબર સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે જેવી તમે કોલ ઉપાડો છો અથવા નકલી લિંક પર ક્લિક કરો છો તમારો ફોન હેક અથવા ટ્રેક થઈ શકે છે. તમારા ફોનનો કેમેરો, માઇક, લોકેશન અને ડેટા સરળતાથી હેકર્સના હાથમાં લાગી શકે છે. એટલું જ નહીં તમારી બેન્કિંગ વિગતો, ઓટીપી અને સોશિયલ મીડિયા પાસવર્ડ પણ ચોરાઈ શકે છે.
વોટ્સએપ પર ફાઇલ્સ અને લિંક દ્વારા પણ હુમલો
માત્ર કોલ જ નહીં, કેટલાક યુઝર્સને WhatsApp પર શંકાસ્પદ લિંક, વિડિયો અથવા ફાઇલ્સ મોકલવામાં આવી રહી છે. તેના પર ક્લિક કરતા જ માલવેર તમારા મોબાઇલ અથવા લેપટોપમાં ઇન્સ્ટોલ થઈ શકે છે જેનાથી તમારું આખું સિસ્ટમ કંટ્રોલમાં લઈ શકાય છે. ઘણી વખત આ ફાઇલ્સ રાષ્ટ્રવિરોધી સામગ્રી પણ હોઈ શકે છે જેનાથી કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે.
શંકાસ્પદ કોલ્સથી કેવી રીતે બચવું?
* જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે તો તેને રિસીવ ન કરો.
* ઇન્ટરનેશનલ કોડ (+૯૨ અથવા અન્ય વિદેશી નંબર) થી આવતા કોલ્સથી સાવધાન રહો.
* ક્યારેય પણ કોઈને OTP, બેંક ડિટેલ્સ અથવા ઓળખ સંબંધિત માહિતી ન આપો.
* WhatsApp પર અજાણ્યા લિંક અથવા ફાઇલ્સ ન ખોલો.
* જો આવું કંઈ થાય તો તરત જ તેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશન અથવા https://cybercrime.gov.in પર કરો.
ડિજિટલ સતર્કતા જ સૌથી મોટું રક્ષણ છે
ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓ આવા સાયબર હુમલાઓ પર સતત નજર રાખી રહી છે પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે કે તે સતર્ક અને જાગૃત રહે. આ હુમલાઓ માત્ર ડેટા ચોરી જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ બાબત બની શકે છે. આવી સ્થિતિમાં ડિજિટલ સતર્કતા અને સાયબર જવાબદારી જ આજનું અસલી દેશભક્તિનું પગલું છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
