<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સદીઓ જૂનું અશક્ય સપનું વૈજ્ઞાનિકોએ સાકાર કર્યું : CERN લેબમાં સીસાના પરમાણુઓ અથડાવીને માત્ર ક્ષણભરમાં સોનું બનાવ્યું : બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો ઉકેલવામાં નવી દિશા

વિશ્વના સૌથી મોટા પાર્ટિકલ એક્સીલરેટરની મદદથી પરમાણુ સ્તરે થયેલું અદ્ભુત પરિવર્તન : ભલે આ સોનું ક્ષણિક હોય પણ વિજ્ઞાનના ઇતિહાસમાં નોંધાયું સુવર્ણ પ્રકરણ

લંડન : ઇતિહાસના ઘણા રસાયણશાસ્ત્રીઓ (અલ્કેમિસ્ટ) સદીઓથી સીસાને સોનામાં બદલવાનું સપનું જોતા હતા, જેને હવે વૈજ્ઞાનિકોએ હકીકતમાં બદલી બતાવ્યું છે. CERN (યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ) માં કામ કરતા વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી મોટા પાર્ટિકલ એક્સીલરેટર (Large Hadron Collider) ની મદદથી આ ચમત્કાર કર્યો છે. જો કે આ સોનું માત્ર એક જ ક્ષણ માટે બન્યું હતું, પરંતુ તે વિજ્ઞાનની દુનિયામાં એક ઐતિહાસિક પગલું છે.
વૈજ્ઞાનિકોએ સીસા (lead) ના પરમાણુઓને એકબીજા સાથે ખૂબ જ ઝડપથી અથડાવ્યા. આ ટક્કરમાં જ્યારે બે લેડ પરમાણુ નજીકથી પસાર થયા ત્યારે તેમાં એટલી ઊર્જા ઉત્પન્ન થઈ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું પુનર્ગઠન (reshuffling) થયું. આ પ્રક્રિયામાં સોનાના પરમાણુ થોડી ક્ષણો માટે બની ગયા.
વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ ખજાનો શોધવા માટે નહીં, પરંતુ બ્રહ્માંડની શરૂઆતમાં તત્વો કેવી રીતે બન્યા તે સમજવા માટે કર્યો હતો. આ પ્રયોગથી બિગ બેંગ પછી તરત જ પદાર્થનું સ્વરૂપ કેવું હતું તે જાણવામાં મદદ મળે છે. ન્યુક્લિયર તકનીકોથી પહેલા પણ સોનું કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ALICE ની પદ્ધતિ તદ્દન નવી અને અનોખી છે. આ સીધું પરમાણુ સ્તરે થયેલું પરિવર્તન છે - રાસાયણિક નહીં, પરંતુ ન્યુક્લિયર સ્તરે.
મધ્યયુગીન વૈજ્ઞાનિકો માનતા હતા કે સીસું અને સોનું એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે બંનેની ઘનતા (density) એકસરખી હોય છે. તેમણે આ પ્રક્રિયાને ક્રાયસોપોઇઆ (Chrysopoeia) નામ આપ્યું હતું - એટલે કે 'સોનું બનાવવું'. પરંતુ બાદમાં રસાયણશાસ્ત્રે સાબિત કર્યું કે રાસાયણિક રીતે આ અશક્ય છે.
જો કે આ સોનામાંથી સિક્કા બનાવી શકાય તેમ નથી, પરંતુ આ પ્રયોગ દર્શાવે છે કે આજનું આધુનિક વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. સીસામાંથી સોનું બનાવવું હવે સપનું નથી, પરંતુ વિજ્ઞાનનો અદ્ભુત અધ્યાય બની ગયું છે. આ પ્રયોગ બ્રહ્માંડની ઊંડાઈ અને મૂળભૂત શક્તિઓને સમજવામાં મદદ કરશે.

 

(7:49 PM IST)