તા. ૨૮ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૩ શનિવાર
News of Wednesday, 14th May 2025
જાણીતા મીડિયા ગ્રુપ સહિત અનેક સ્થળે આયકર દરોડા
ગુજરાતનાં ‘‘આર્થિક પાટનગર'' અમદાવાદમાં વહેલી સવારથી આયકર વિભાગે મોટા પાયે ઓપરેશન હાથ ધરતા ખળભળાટ : મોટા પાયે કરચોરી બહાર આવવાની સંભાવનાઃ લાંબા સમયથી આયકર વિભાગે કાર્યવાહી શરૂ કરતાં કરચોરોમાં ફફડાટઃ ૪૦૦થી વધુ અધિકારીઓની ફોજ ત્રાટકીઃ ૪૦ સ્થળે કાર્યવાહી

અમદાવાદ તા.૧૪: ગુજરાતમાં આયકર વિભાગે લાંબા સમય બાદ ટેક્ષચોરો વિરૂધ્ધ ઓપરેશન શરૂ કર્યુ છે. આજે વહેલી સવારથી આવકવેરા વિભાગે ગુજરાતનાં આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં એક જાણીતા મીડિયા ગ્રુપ સહિત અનેક સ્થળોએ ઓપરેશન હાથ ધર્યુ હોવાનું જાણવા મળે છે જે દરમ્યાન મોટા પાયે ટેક્ષચોરીના વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આયકર ખાતાના અંતરેગ સૂત્રોએ જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર ફેલાવો ધરાવતા અને વિવિધ શહેરોમાંથી એડિશન પ્રસિધ્ધ કરતાં મીડિયા ગ્રુપની ઓફિસો અને રહેઠાણમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન આવક-જાવકના હિસાબોની તપાસણી કરવામાં આવી રહી છે. આયકર વિભાગે મીડિયા ગ્રુપને નિશાના પર લેતા તેના ઘેરા પડઘા પણ પડયા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના જ એક અન્ય મીડિયા જૂથને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી આજે મોડે સુધી ચાલે તેવી શકયતા છે.
બીનસતાવાર અહેવાલો અનુસાર જાણીતા ઇસ્કોન ગ્રુપ ઉપર પણ આયકર ખાતાએ વિવિધ સ્થળોમાં દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે. સતાવાર વિગતો મેળવાઇ રહી છે.
અમદાવાદમાં કુલ ૪૦ જેટલા સ્થળોએ ૪૦૦થી વધુ અધિકારીઓ જોડાયા હોવાનું પણ જાણવા મળે છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગે શહેરમાં મોટા પાયે દરોડા પાડ્યાનું અને સંખ્યાબંધ તપાસ ચાલુ કર્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. જે ગુજરાતના આર્થિક પાટનગરમાં હડકંપ મચાવી રહ્યો છે. આ ઓપરેશનની વિગતો મેળવાઇ રહી છે.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આ દરોડા ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં બેનામી સંપત્તિ, રોકડના ગેરકાયદે વ્યવહારો અને ટેક્સ ચોરીના આરોપોની તપાસ થઈ રહી છે. આવકવેરા વિભાગની ટીમોને આ ઓપરેશનમાં કરોડો રૂપિયાની અઘટિત સંપત્તિ અને દસ્તાવેજો જપ્ત થવાની શકયતા છે.
આ ઓપરેશન લાંબા સમયથી ચાલતી ગેરરીતિઓને ઉજાગર કરવા માટે છે, જેમાં મોટા પાયે ટેક્સ ચોરીનો સમાવેશ થાય છે.
અમદાવાદના વેપારી સમુદાયમાં આ દરોડાને લઈને ચર્ચાઓ ગરમ છે, અને ઘણા લોકો આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓની અપેક્ષા રાખી રહ્યા છે. આવકવેરા વિભાગે હાલમાં આ ઓપરેશન અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શકયતા છે.(૩૮.૧૮)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
