News of Wednesday, 14th May 2025
ચીનની અવળચંડાઈઃ અરુણાચલમાં અનેક જગ્યાએ નામ બદલ્યા

નવી દિલ્હી, તા. ૧૪: ચીને ફરી એક વાર ભારત વિરુદ્ધ ષડયંત્ર કરવાની કોશિશ કરી છે, તેણે પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે અરુણાચલ પ્રદેશની અમુક જગ્યાઓના નામ બદલ્યા છે. ભારતે આ મામલે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે ચીનની કોશિશને ફગાવી દેતા બુધવારે કહ્યું કે, આવી રીતના વાહિયાત પ્રયાસોથી આ સચ્ચાઈ નહીં બદલાય. ભારતે અરુણાચલ પ્રદેશના મામલા પર ચીનને કડક મેસેજ આપતા કહ્યું કે, સત્ય બદલાવાનું નથી. આ રાજ્ય ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. ભારતે અરુણાચલ પ્રદેશના અમુક જગ્યા માટે ચીન દ્વારા તેના નામોની ઘોષણા કરતા પોતાની પ્રતિક્રિયા આપતા આ ટિપ્પણી કરી છે. ચીન દાવો કરે છે કે, અરુણાચલ પ્રદેશ તિબ્બતનો દક્ષિણી ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે જોયું છે કે ચીને ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થળોના નામ બદલવાના નિરર્થક અને વાહિયાત પ્રયાસો કર્યા છે.' તેમણે કહ્યું, ‘અમે અમારા સિદ્ધાંતના વલણ અનુસાર આવા પ્રયાસોને સ્પષ્ટપણે નકારીએ છીએ.'
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
