તા. ૨૮ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૩ શનિવાર
News of Wednesday, 14th May 2025
ઓપરેશન કેલરઃ પહેલા ત્રણ આતંકવાદીઓને ઠારઃ હવે શસ્ત્રોનો મોટો ભંડાર મળ્યો
આતંકવાદીઓના હથિયારો, ગ્રેનેડ, કારતૂસ, બેકપેક અને પર્સનો મોટો જથ્થો મળી આવ્યો

શોપિયાન, તા.૧૪: ભારતીય સેનાએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં ઓપરેશન કેલર હેઠળ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ૧૩ મેના રોજ સેના દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તેમાં આતંકવાદીઓના હથિયારો, ગ્રેનેડ, કારતૂસ, બેકપેક અને પર્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઓપરેશન કેલર એ ભારતીય સેનાનું એક વિશિષ્ટ આતંકવાદ વિરોધી ઓપરેશન છે, જે ચાલી રહેલા ઓપરેશન સિંદૂરની સમાંતર ચલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે શોપિયન જિલ્લાના શોએકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતીના આધારે ૧૩ મેના રોજ ઓપરેશન કેલર શરૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ એક સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઓપરેશન કેલર - ૧૩ મે ૨૦૨૫ ના રોજ, રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ દ્વારા આપવામાં આવેલી આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે, ભારતીય સેનાએ શોધ અને નાશ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન, આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર થયો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને ત્રણ હાર્ડકોર આતંકવાદીઓને માર્યા ગયા હતા.
આ ઓપરેશન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત પ્રયાસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોચના કમાન્ડર શાહિદ કુટ્ટેનો પણ સમાવેશ થાય છે. અન્ય બેમાંથી એકની ઓળખ અદનાન શફી તરીકે થઈ છે, જ્યારે ત્રીજાની ઓળખ હજુ પણ થઈ રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહિદ કુટ્ટે ૨૦૨૩ માં આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને તે કેટેગરી A આતંકવાદી હતો. તે ૨૨ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. હુમલાના ચાર દિવસ પછી, ૨૬ એપ્રિલના રોજ, વહીવટીતંત્ર દ્વારા કુટ્ટેનું ઘર તોડી પાડવામાં આવ્યું.
આ કાર્યવાહીને ખીણમાં આતંકવાદી પ્રવળત્તિઓ સામે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સેના અને પોલીસનું કહેવું છે કે ઓપરેશન કેલર હજુ પણ ચાલુ છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
