News of Thursday, 15th May 2025
કાશ્મીરમાં સૈન્યને મોટી સફળતા : જૈશનાં ત્રણ આતંકી ઠાર
ભારત વિરોધી તત્વો ઉપર તુટી પડતુ સૈન્ય : ત્રાલમાં જોરદાર પ્રહાર : એન્કાઉન્ટરમાં ૩ હરામી ઠાર સૈન્ય - આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ : વિસ્તારની ઘેરાબંધી : સર્ચ ઓપરેશન જારી

નવી દિલ્હી, તા.૧૫: આજે વ્હેલી સવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટર અવંતીપોરાના નાદેર, ત્રાલ વિસ્તારમાં થઈ રહ્યું છે. સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. ૪૮ કલાકની અંદર ખીણમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે આ બીજુ એન્કાઉન્ટર છે. બે દિવસ પહેલા, સેનાએ શોપિયામાં એક મોટા ઓપરેશનમાં લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
અધિકારીના જણાવ્યા મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં દળોએ પણ મોરચો સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું. અહેવાલ છે કે સેનાએ જૈશના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. શોપિયા જિલ્લાના વિસ્તારમાં ‘ઓપરેશન કિલર'માં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર કર્યા હતા.
અગાઉ, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર શુક્રુ વન વિસ્તાર, કેલરમાં થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ શાહિદ કુટ્ટે અને અદનાન શફી ડાર તરીકે જણાવવામાં આવ્યા છે. શાહિદ લશ્કરનો એ ગ્રેડ આતંકવાદી હતો.
શાહિદ લશ્કરનો ટોચનો આતંકવાદી હતો. તે ૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ શ્રીનગરમાં ડેનિશ રિસોર્ટ પર ગોળીબારમાં સામેલ હતો, જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા. ૧૮ મે ૨૦૨૪ના રોજ હિરપોરામાં ભાજપના સરપંચની હત્યામાં પણ તેની ભૂમિકા હતી. ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કુલગામના બેહીબાગમાં ટેરિટોરિયલ આર્મીના જવાનની હત્યામાં તે શંકાસ્પદ હતો. તે ૮ માર્ચ ૨૦૨૩ના રોજ લશ્કરમાં જોડાયો હતો.
બીજી તરફ, અદનાન ડાર ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ વાચી (શોપિયા)માં બિન-સ્થાનિક મજૂરોની હત્યામાં સામેલ હતો. તે ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ લશ્કરમાં પણ જોડાયો હતો. ત્રીજા માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
