<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

વિશ્‍વભરના ભાવિકોનું ચાર ધામ યાત્રા માટે

રજીસ્‍ટ્રેશનઃ ૧૫૦ દેશોના ૩૧૫૮૧ શ્રધ્‍ધાળુઓની નોંધણી : નેપાળ, અમેરિકા, યુકે, મોરેશિયસ, ઈન્‍ડોનેશીયા, કેનેડા, ઓસ્‍ટ્રેલિયામાંથી આસ્‍થાળુઓનો દર્શન માટે ઉત્‍સાહ

નવી દિલ્‍હી, તા.૧૫: હિન્‍દુઓ માટે ઘણી મહત્ત્વની ગણાતી એવી ચારધામ યાત્રાની શરૂઆત આ મહિનાથી થઈ ગઈ છે. તેના ઓનલાઈન અને ઓફલાઇન રજીસ્‍ટ્રેશન પણ એપ્રિલના છેલ્લા દિવસોમાં ચાલુ કરી દેવાયા હતા. દર વર્ષે દેશ વિદેશથી લખો ભક્‍તો અંહિયા દર્શન કરવા આવે છે. ત્‍યારે આ વર્ષે પણ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શનાર્થે આવના રલોકોની સંખ્‍યામાં વધારો થયો છે.

હિમાચલ પ્રદેશમાં સ્‍થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ સિવાય હેમકુંડ સાહેબની યાત્રા માટે પૂરી દુનિયામાં ઉત્‍સાહ છે. પર્યટન વિભાગે ચારધામની યાત્રાના રજીસ્‍ટ્રેશનના આંકડા જાહેર કર્યા છે.

દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો ચારધામ યાત્રાના ભાગ લેવા માટે ઇચ્‍છુક છે. રજીસ્‍ટ્રેશનનો આંક ૨૮ લાખને ક્રોસ કરી ગયો છે. જેમાં ૧૫૦ થી વધારે દેશોના ૩૧૫૮૧ લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. જેમાં યુએસ, નેપાળ, મલેશિયા, યુકે, ઓસ્‍ટ્રેલિયા, કેનેડાના સૌથી વધુ યાત્રીઓ છે.

જેમાંથી નેપાળના ૫૭૨૮, યુએસએના ૫૮૬૪, યુકે ૧૫૫૯, મોરેશિયસ ૮૩૭, ઈન્‍ડોનેશિયા ૩૨૭, કેનેડા ૮૮૮, ઓસ્‍ટ્રેલિયા ૧૨૫૯ સહિત અન્‍ય ૧૫૦ થી વધુ દેશના યાત્રીઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. યાત્રા નોંધણી નોડલ અધિકારી યોગેન્‍દ્ર ગંગવારે જણાવ્‍યું હતું કે વિશ્વના દરેક દેશમાંથી લોકો ચારધામ યાત્રામાં હાજરી આપવા માટે નોંધણી કરાવી રહ્યા છે.

ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરૂ થઈ છે. ૧૪ મે સુધીમાં ૭.૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચૂકયા છે. ઓનલાઈન નોંધણી માટે સ્‍લોટ ઉપલબ્‍ધ ન હોવાને કારણે ઓફલાઈન નોંધણીઓની સંખ્‍યા વધી રહી છે. હરિદ્વાર, ઋષિકેશ, હર્બર્ટપુર, વિકાસનગરમાં એક દિવસમાં ૧૮ હજારથી વધુ નોંધણીઓ થઈ રહી છે.

વિદેશથી ચારધામ માટે થયેલ રજીસ્‍ટ્રેશનના આંકડા મુજબઃ કેદારનાથમાં ૧૧૫૭૬, બદ્રીનાથમાં ૯૩૨૦, ગંગોત્રીમાં ૫૫૪૨, યમુનોત્રીમાં ૪૮૬૯ તથા હેમકુંડ સાહિબ માટે ૨૭૪ વિદેશી ભાવિકોએ નોંધણી કરાવી છે.

(2:43 PM IST)