<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

શેરબજારમાં યુ-ટર્ન,: સેન્‍સેક્‍સ ૧,૩૦૦ પોઈન્‍ટ ઉછળ્‍યોઃ નિફ્‌ટી ૨૫,૦૦૦ ને પાર

આજે સ્‍થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્‍યું હતું પરંતુ પછી તેમાં જબરદસ્‍ત વધારો જોવા મળ્‍યો

મુંબઇ તા.૧૫: આજે સ્‍થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્‍યું પરંતુ દિવસ આગળ વધતાં પરિસ્‍થિતિ બદલાતી રહી. બપોરે ૨.૧૫  વાગ્‍યે, BSE સેન્‍સેક્‍સ ૧૩૧૬.૮૨ પોઈન્‍ટ અથવા ૧.૬૨ ટકા વધીને ૮૨,૬૯૯ .૩૮ પોઈન્‍ટ પર પહોંચ્‍યો. તેવી જ રીતે, નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જનો નિફ્‌ટી૫૦ ઇન્‍ડેક્‍સ ૪૩૫  પોઈન્‍ટ અથવા ૧.૬૪% વધીને ૨૫,૧૦૨  પોઈન્‍ટ પર પહોંચ્‍યો. ઓક્‍ટોબર ૨૦૨૪ પછી નિફ્‌ટીએ પહેલી વાર ૨૫,૦૦૦નો આંકડો પાર કર્યો છે. 

સવારે ૯.૪૭ વાગ્‍યે, BSE સેન્‍સેક્‍સ ૫૦૧ પોઈન્‍ટ અથવા ૦.૬૨% ઘટીને ૮૦,૮૨૮ પોઈન્‍ટ પર આવી ગયો હતો. એ જ રીતે, નિફ્‌ટી૫૦ ઇન્‍ડેક્‍સ પણ ૧૩૧ પોઈન્‍ટ એટલે કે ૦.૫૩% ઘટીને ૨૪,૫૩૫ પોઈન્‍ટ પર બંધ રહ્યો.

શરૂઆતના કારોબારમાં ઇન્‍ડસઇન્‍ડ બેંકના શેરમાં ૨%નો ઘટાડો થયો છે જ્‍યારે એપોલો ટાયર્સ ૩%નો વધારો દર્શાવે છે. નિફ્‌ટીના ૧૪ શેરોમાં વધારો જોવા મળ્‍યો હતો જ્‍યારે બાકીના શેરોમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. JSW સ્‍ટીલમાં મહત્તમ ૨.૬૩ ટકાનો વધારો જોવા મળ્‍યો. હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્‍સ, શ્રીરામ ફાઇનાન્‍સ અને ટેક મહિન્‍દ્રાના શેરમાં પણ ઉછાળો જોવા મળ્‍યો. બીજી તરફ, ડો. રેડ્ડીઝ, ઇન્‍ડસઇન્‍ડ બેંક, પાવર ગ્રીડ, ઓએનજીસી અને સન ફાર્માના શેરમાં ઘટાડો થયો હતો.

એપ્રિલમાં છૂટક ફુગાવો ઘટીને ૩.૧૬% થયો છે. જુલાઈ ૨૦૧૯ પછી આ સૌથી નીચો દર છે. આવી સ્‍થિતિમાં, રોકાણકારોને આશા છે કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ આગામી દિવસોમાં રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આના કારણે બજારમાં તેજી જોવા મળી છે.

વિદેશી રોકાણકારો સતત ખરીદી કરી રહ્યા છે. મે મહિનામાં અત્‍યાર સુધીમાં, રોકડ સેગમેન્‍ટમાં રૂ. ૯,૫૫૮.૬૫ કરોડની ચોખ્‍ખી ખરીદી થઈ છે અને સ્‍થાનિક રોકાણકારોએ રૂ. ૧૯,૭૭૯ કરોડની ચોખ્‍ખી ખરીદી કરી છે. ૧૪ મેના રોજ, FII એ રૂ. ૯૩૧ કરોડના શેર ખરીદ્યા હતા અને DII એ રૂ. ૩૧૬ કરોડના શેર ખરીદ્યા હતા

(3:58 PM IST)