News of Thursday, 15th May 2025
ભારત - પાકિસ્તાન યુદ્ધવિરામમાં મધ્યસ્થીના દાવા પર ટ્રમ્પે પલ્ટી મારી : હવે માત્ર સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થયાનું નિવેદન
અગાઉ યુદ્ધવિરામ કરાવવાનો સતત શ્રેય લેતા હતા અમેરિકી રાષ્ટ્રપતિ : કતારમાં નિવેદન બદલતા અનેક તર્ક-વિતર્ક

કતાર: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર એવો દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં અને યુદ્ધવિરામ કરાવવામાં મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જો કે, હવે કતારમાં તેમણે પોતાના અગાઉના નિવેદનથી સંપૂર્ણપણે યુ-ટર્ન લીધો છે. કતારના અલ-ઉદેદ એર બેઝ પર અમેરિકી લશ્કરી કર્મચારીઓને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ એમ તો નહીં કહે કે તેમણે મધ્યસ્થી કરી હતી, પરંતુ તેમણે ચોક્કસપણે ગયા અઠવાડિયે પાકિસ્તાન અને ભારત વચ્ચે વકરી રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે આ છઠ્ઠી વખત છે જ્યારે ટ્રમ્પે જાહેરમાં એવો દાવો કર્યો હોય કે અમેરિકાએ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કતારમાં પોતાના લશ્કરી કર્મચારીઓને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ પોતાના અગાઉના દાવાઓથી પીછેહઠ કરી હતી. તેમણે કહ્યું હતું કે અચાનક જ બંને દેશો વચ્ચે અલગ પ્રકારની મિસાઇલો દેખાવા લાગી હતી, પરંતુ અમેરિકાએ તે સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી હતી. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેઓ કતારથી રવાના થાય અને બે દિવસ પછી તેમને એવી ખબર ન મળે કે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, પરંતુ તેમને લાગી રહ્યું છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.
આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવો દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથે વેપાર અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે બંને દેશોને યુદ્ધ કરવાને બદલે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમજાવ્યા હતા. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આ વાતથી ખૂબ જ ખુશ હતું અને ભારત પણ આનાથી સહમત હતું. તેમને એવું લાગી રહ્યું છે કે હવે બંને દેશો આ દિશામાં આગળ વધી રહ્યા છે. ટ્રમ્પે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે દુનિયા જાણે છે કે ભારત અને પાકિસ્તાન લગભગ એક હજાર વર્ષથી એકબીજા સાથે લડી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના સ્વભાવ અનુસાર કહ્યું હતું કે તેઓ કંઈપણ ઉકેલી શકે છે. તેમણે બંને દેશોને સાથે લાવવાની વાત કરી હતી અને યાદ અપાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન ઘણા લાંબા સમયથી, લગભગ ૧,૦૦૦ વર્ષથી લડી રહ્યા છે, પરંતુ તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી કોઈ પણ ખુશ નહોતું અને એવું લાગી રહ્યું હતું કે પરિસ્થિતિ ખરેખર નિયંત્રણ બહાર જઈ રહી છે.
ગયા શનિવારે, ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન 'સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ' માટે સંમત થઈ ગયા છે, અને આ યુદ્ધવિરામ અમેરિકા દ્વારા આખી રાત ચાલેલી વાટાઘાટોના પરિણામે શક્ય બન્યું હતું. તેમણે પોતાની સોશિયલ મીડિયા સાઇટ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઐતિહાસિક અને હિંમતવાન' કરાર કરાવવાનો શ્રેય અમેરિકાને આપ્યો હતો અને કાશ્મીર મુદ્દા પર પણ મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત 'પરમાણુ યુદ્ધ' ને અટકાવ્યું હતું અને દક્ષિણ એશિયાના આ બંને પાડોશી દેશોને કહ્યું હતું કે જો તેઓ શાંતિ જાળવી રાખશે તો અમેરિકા તેમની સાથે 'ઘણો વ્યવસાય' કરશે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ સુધી ચાલેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી ભારત અને પાકિસ્તાને શનિવારે એક કરાર પર પહોંચીને આ સંઘર્ષનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.
જો કે, ભારત સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના લશ્કરી ડિરેક્ટર જનરલ (ડીજીએમઓ) વચ્ચે તાત્કાલિક તમામ જમીન, હવા અને દરિયાઈ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સહમતી સધાઈ હતી અને આ પ્રક્રિયામાં કોઈ પણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી. હવે ટ્રમ્પના આ નવા નિવેદનથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે કે તેમણે શા માટે પોતાના અગાઉના દાવાથી પીછેહઠ કરી.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
